અમેરિકામાં ભારતીયનો જલવો, સતત બીજી વખત આ ભારતીય સિટી મેયર બન્યા

પંજાબના જલંધરના બેશરપુર ગામના પરગટ સિંહ સંધુ સતત બીજી વખત અમેરિકાના કેલિફોર્નિયાના ગાલ્ટ શહેરના મેયર બન્યા છે. આ સમાચાર જાણ્યા બાદ તેમના ગામ અને આસપાસના વિસ્તારોમાં ખુશીની લહેર છે. નાગરી વડા બલકાર સિંહે તેમના પરિવારને અભિનંદન પાઠવ્યા છે. અગાઉ સંધુને ડિસેમ્બર 2019માં ગાલ્ટ સિટીના મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી.
પરગટ સિંહે જલંધરની લાયલપુર ખાલસા કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે સ્થાનિક રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પછી, તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા અને ત્યાંના રાજકારણમાં ખૂબ જ સક્રિય થયા હતા. લોકોએ તેમના પાછલા કાર્યકાળ દરમિયાન તેમના કામની પ્રશંસા કરી હતી. તેના કારણે સંધુ ફરી જીત્યા હતા. લાંબ્રાના રહેવાસી મનદીપ બક્ષી કહે છે કે સંધુ પરિવારે આ વિસ્તારનું નામ વિશ્વના નકશા પર લાવી દીધું છે. આ વાતનો તેમને ગર્વ છે.