કેનેડા મુદ્દે હવે વિદેશ મંત્રાલયે આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હીઃ ખાલિસ્તાનના સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક-સામાજિક સંબંધો વણસી રહ્યા છે, ત્યારે આ મુદ્દે ભારત સરકારે આક્રમક પગલાં ભરવાની નોબત આવી છે. ભારતમાં કેનેડિયન રાજદ્વારીને મળેલી ધમકીઓના અહેવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે વિદેશના દરેક રાજદ્વારીઓની સુરક્ષા કરીએ છીએ અને અમે અમારી જવાબદારીઓમાંથી ક્યારેય છટકતા નથી.
બાગચીએ કહ્યું હતું કે અમે અમારી જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે ભારતમાં વિદેશી રાજદ્વારીઓને તમામ પ્રકારની સુરક્ષા ચોક્કસપણે પૂરી પાડીશું. અમે અપેક્ષા રાખીએ છીએ કે કેનેડા પણ અમારા રાજદ્વારીઓ પ્રત્યે આવી જ સંવેદનશીલતા દાખવે. જોકે, હાલમાં કેનેડિયનોને હાલમાં વિઝા મળશે નહીં, એમ તેમણે જણાવ્યું હતું.
કેનેડામાં જેટલા ભારતીય રાજદ્વારીઓ છે તેના કરતાં ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વધુ છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે સંખ્યા સમાન હોવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે કેનેડા પોતાના દેશમાં આતંકવાદ અને ભારત વિરોધી ગતિવિધિઓ અંગેની અમારી ચિંતાઓને દૂર કરશે, એવું પણ તેમણે જણાવ્યું હતું.
અમે કેનેડાની ધરતી પરથી ભારત વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા અંગે કેનેડાને ચોક્કસ માહિતી આપી હતી. કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં ભારત સાથે વિગતવાર માહિતી શેર કરી નથી. તમામ આરોપો રાજકીય પ્રેરિત છે. હકીકતમાં તાજેતરમાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતીય એજન્ટનો હાથ હોઈ શકે છે.