જાપાનમાં આગનો ગોળો બની દોડતી રહી ફ્લાઈટ, પ્રવાસીઓએ જીવ બચાવવા માટે…

ટોક્યોના હાનેડા એરપોર્ટ પર આજે બે વિમાન એકબીજા સાથે ટકરાયા અને એને કારણે જાપાન એરલાઈન્સનું પેસેન્જર પ્લેન આગનો ગોળો બનીને રનવે પર દોડ્યું હતું. આ ફ્લાઈટમાં કુલ 379 પેસેન્જર હતા અને સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વિમાનમાં સવાર પેસેન્જરે સળગી રહેલા વિમાનમાંથી કૂદકા મારીને પોતાનો જીવ બચાવ્યો હતો.
ભૂકંપને કારણે સર્જાયેલી તરાજીમાંથી હજી જાપાન બહાર નથી આવ્યું ત્યાં બીજી એક મોટી દુર્ઘટના જાપાન એરપોર્ટ પર થઈ હતી. એરપોર્ટના રનવે પર બે વિમાન એકબીજા સાથે અથડાયા હતા અને એને કારણે જાપાન એરલાઈન્સનું વિમાન સળગીને ખાખ થઈ ગયું હતું અને લોકોએ ચાલુ વિમાનમાંથી કૂદકા મારીને પોતાનો અને પોતાના પ્રિયજનોના જીવ બચાવ્યા હતા.
હવે આ સોશિયલ મીડિયા પર દુર્ઘટનાના અનેક વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પેસેન્જર પ્લેન અથડામણ બાદ એકદમ આગના ગોળાની જેમ સળગી ઉઠ્યું હતું. વિમાન જેવું ઊભું રહે છે એટલે લોકો ઈમર્જન્સી ગેટમાંથી કૂદીને જીવ બચાવીને ભાગે છે. બીજી બાજું ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ વિમાનમાં લાગેલી આગને બુઝાવવાનો પ્રયાસ કરે છે. દરમિયાન વીડિયોમાં જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે એ જોઈને માત્ર અંદાજો જ લગાવી શકાય છે કે આ મંઝર કેટલો ભયાવહ હશે.
સ્થાનિક મીડિયામાં છપાયેલા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુર્ઘટના એ સમયે થઈ જ્યારે કોસ્ટ ગાર્ડના વિમાને પેસેન્જર પ્લેનને ટક્કર મારી હતી. હાલમાં અધિકારીઓ એ ઘટનાની તપાસ કરી રહ્યા છે કે આખરે આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ? કોસ્ટગાર્ડના જે ક્રુ મેમ્બર્સના આ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે તેમના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને માહિતી આપવામાં આવી છે.
દરમિયાન જાપાની વડા પ્રધાન ફુમિયો કિશિદાએ સંબંધિત એજન્સીને આ અકસ્માતની તપાસના આદેશ અને લોકો સુધી તમામ માહિતી પહોંચાડવાના નિર્દેશો આપ્યા છે.



