ભાડા પર લઈ શકાય છે આખેને આખો આઈલેન્ડ, બસ ચૂકવવા પડશે આટલા રૂપિયા…
ટ્રાવેલ એ એક થેરેપી છે અને આ થેરેપી તમને દુનિયાભરના સ્ટ્રેસ, દોડભાગથી દૂર એક શાંતિવાળું જીવન પ્રદાન કરે છે. જોકે, એ વાત એકદમ જ અલગ છે કે આપણામાંથી ઘણા લોકો આખા વરસમાં એકાદ-બે વખત 8-10 દિવસનું વેકેશન માણવા માટે જાય છે અને કેટલાક લોકોને તો આ થેરેપીનું મહત્ત્વ સમજાતું જ નથી. પરંતુ આજે અમે અહીં તમારા માટે એક એવા ટાપુ વિશેની માહિતી લઈને આવ્યા છીએ કે જે તમે ભાડા પર લઈ શકો છો. જી હા, આ ટાપુ ભાડા પર લઈને તમે તમારા મન મરજી મુજબની મજા માણી શકો છો. ચાલો જોઈએ કયો છે આ ટાપુ, ક્યાં આવેલો છે અને ભાડાપેટે કેટલા પૈસા ચૂકવવાની તૈયારી પણ રાખવી પડશે…
આ આઈલેન્ડ યુકેમાં આવેલું છે અને એનું નામ છે ઓસી આઇલેન્ડ. દરિયાની વચ્ચોવચ્ચ આવેલા આ આઈલેન્ડ વિશે ખૂબ જ જૂજ લોકોને માહિતી છે પરંતુ જેમને પણ આ વિશેની માહિતી મળે છે તેઓ અહીં ફરીફરી વાર આવે છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ટાપુ પર અનેક પ્રકારની સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં લક્ઝુરિયસ ફ્લેટ્સ, હાઈક્લાસ રેસ્ટોરાં સહિતની વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.
મળી રહેલી માહિતી પ્રમાણે આશરે 380 એકરના ક્ષેત્રફળમાં વિસ્તરેલા આ ટાપુ પર ભરપૂર હરિયાળી છે જે જેની સુંદરતામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના જંગલી પ્રાણીઓનો પણ વસવાટ જેઓ આ આઈલેન્ડને એડવેન્ચરિયસ બનાવવાનું કામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટાપુ પર પાર્ટી, ઈવેન્ટ્સ વગેરેનું આયોજન થતું હોય છે.
ટાપુ વિશેની માહિતી મેળવી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ આ ટાપુ ભાડા પર લેવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે એની તો તમારી જાણ માટે કે આ આઈલેન્ડના માલિકનું નામ નિગેલ ફ્રીડા છે અને 2004માં તેમણે આ આઈલેન્ડ ખરીદ્યો હતો. અહીં એક રૂમનું ભાડું 32 હજાર રૂપિયા છે અને જો કોઈ આખેને આખો આઈલેન્ડ ભાડા પર લેવા માગે છે તો એક દિવસ માટે 37 લાખ રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ સુંદર અને રમણીય ટાપુ પર એક સાથે દોઢસોથી પોણા બસો લોકો એક સાથે રહી શકે છે.