જાણો કયા શહેરમાં મુસાફરોને ચાલુ ટ્રેનમાં મળ્યું થેંક્સગિવિંગ ડિનર…
ન્યૂ યોર્ક: આજના સમયમાં જ્યારે વ્યક્તિને પોતાના માટે કે પછી નજીકના લોકો માટે સમય નથી ત્યારે સાવ અજાણ્યા લોકો માટે કંઇ કરવું એ તો બહુ દૂરની વાત છે. ત્યારે આવી જ એક ઘટના ન્યૂ યોર્ક સિટીમાં બની જ્યાં ચાલુ મેટ્રોમાં એક અલગ જ અંદાજમાં મેટ્રોના મુસાફરો સાથે સાવ અજાણ્યા લોકોએ એક નાનકડી પાર્ટી યોજી અને તેનો વીડિયો સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહ્યો છે.
જેમાં કેટલાક લોકો મેટ્રોના સબવે કોચની મિડલમાં થેંક્સગિવિંગ ડિનરનું આયોજન કરતા જોવા મળે છે. આ ગૃપ કોચમાં એક મોટું ટેબલ ગોઠવે છે અને તમામ મુસાફરો માટે મફત ભોજન પીરસે છે.
આ વીડિયો જેવો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરવામાં આવ્યો કે તરત જ તે વાઇરલ થઇ ગયો. અત્યાર સુધીમાં તેને લાખો લોકોએ જોયો તેમજ તેને શેર પણ કર્યો છે. વીડિયોમાં લોકો ટેબલ પરથી ભોજન લેતા અને વાનગીઓનો આનંદ લેતા જોવા મળે છે. વિડિયો પર ટિપ્પણી કરતાં એક એક્સ યુઝરે ન્યૂ યોર્કને પૃથ્વી પરનું શ્રેષ્ઠ શહેર ગણાવ્યું હતું. જ્યારે બીજાએ લખ્યું હતું કે કેટલું સરસ દ્રશ્ય છે, કે મેટ્રોમાં આવતાની સાથે જ તેમને રસોઇ બનાવવી પડી. તો વળી એક યુઝર્સે લખ્યું હતું કે હવે હું ન્યૂયોર્ક જઇને રહીશ.
જો કે ન્યૂયોર્ક સબવેની અંદર કૂકઆઉટ થયું હોય એવી ઘટના પહેલી વાર નથી બની ગયા નવેમ્બરમાં પણ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં પણ થેંક્સગિવિંગ ડિનર સેટ-અપ બતાવવામાં આવ્યું હતું, જેમાં લોકોને જમવાનું વિતરણ કરી રહ્યા હતા.
આવી જ એક ઘટના થોડા સમય પહેલા વિદેશમાં જ નહીં પરંતુ મુંબઈમાં પણ જોવા મળી હતી. મુંબઈના બે સ્થાનિક કન્ટેન્ટ સર્જકો આર્યન કટારિયા અને સાર્થક સચદેવાએ લોકલ ટ્રેનમાં મુસાફરોને ભોજન પીરસ્યું હતું.