થાઈલેન્ડમાં સગીરે તેના ક્લાસમેટની હત્યા કર્યા પછી પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર
બેંગકોક: થાઇલેન્ડમાં એક વિદ્યાર્થીએ પોતાની સ્કૂલના સાથી મિત્રને ચાકૂના ઘા મારી હત્યા કરી હતી. એક રિપોર્ટ અનુસાર થાઇ ઓસ્ટ્રેલિયન યુવકની તેની જ શાળાના સાથીની હત્યા કરી હતી.
સટ્ટાહિપ પોલીસ સ્ટેશનના ડિરેક્ટર પોલીસ કર્નલ તનાપોલ ક્લિંકેસોર્ને જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે તે અને પીડિત સ્કૂલથી જ એકબીજાને નાપસંદ કરતા હતા અને બંને મેસેજિંગ એપ મારફતે ચોનબુરી પ્રાંતના સટ્ટાહિપમાં સ્થિત પોતાના ઘરની પાસે એક કરિયાણાની દુકાન પર મંગળવારે મળવા સહમત થયા હતા.
આ પણ વાંચો: Thailand જવા માટે હવે વિઝાની મગજમારી થઈ દૂર; 2025 થી મળશે ઈ-વિઝાનો લાભ…
પોલીસે જણાવ્યું હતું કે ઉંમરના કારણે આરોપી અને મૃતકનું નામ જાહેર કરવામાં આવ્યા નથી. ઓસ્ટ્રેલિયન દૂતાવાસે પણ પુષ્ટી કરી હતી કે મૃતક પાસે બેવડી નાગરિકતા હતી. તનાપોલે જણાવ્યું હતું કે દરમિયાન બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ છરી વડે મૃતક પર હુમલો કર્યો હતો. સવાંગ રોજનાથમ રેસ્ક્યૂ ફાઉન્ડેશન નામની ચેરિટી સંસ્થાના જણાવ્યા અનુસાર, દુકાન પાસે છોકરાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પીઠ પર ચાકૂના ઘા માર્યાનું જોવા મળી રહ્યું હતું.
તનાપોલે જણાવ્યું કે આ ઘટનાના લગભગ એક કલાક બાદ આરોપી વિદ્યાર્થીએ પોતાના માતા-પિતા સાથે સટ્ટાહિપ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પછી તેને જૂવેનાઈલ એન્ડ ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપો હેઠળ મહત્તમ 15 વર્ષની સજા છે અને તેઓ કેસની તપાસ કરી રહ્યા છે.