
કુઆલાલમ્પુર: દક્ષિણપૂર્વ એશિયામાં હવે શાંતિ સ્થપાશે કારણે કે મલેશિયાના વડા પ્રધાન અનવર ઈબ્રાહિમની મધ્યસ્થી બાદ થાઈલેન્ડ અને કંબોડિયા આજે મધ્યરાત્રીથી જ તત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામ માટે સહમતિ સાધવામાં આવી છે. થાઈલેન્ડ અને કંબોડિયા બન્ને વચ્ચેના સંઘર્ષમાં 35 જેટલા લોકોના મૃત્યુ થયા હતાં અને આ સ્થિતિમાં 2,60,000થી વધુ લોકોને વિસ્થાપનનો ભોગ બનવું પડ્યું હતું.
આસિયાન (દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન) પ્રાદેશિક જૂથના પ્રમુખ તરીકે વાટાઘાટોની અધ્યક્ષતા કરતા અનવરે કહ્યું કે, બંને પક્ષોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવા અંગે સામાન્ય સહમતિ બની છે.અનવર ઈબ્રાહિમે એક સયુંકત નિવેદનમાં જણાવ્યું હતું કે કંબોડિયાના વડા પ્રધાન અને થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાને ૨૮ જુલાઈની મધ્યરાત્રિથી તત્કાલીક અને બિનશરતી યુદ્ધવિરામ પર સંમતી દર્શાવી છે. બન્ને નેતાઓએ બેઠક બાદ મળેલા પરિણામોની પ્રસંશા કરી હતી અને સંક્ષિપ્ત પત્રકાર પરિષદના સંબોધન બાદ હાથ મિલાવ્યા હતા.
ક્યારથી વિવાદની શરૂઆત થઇ હતી?
થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર ગયા અઠવાડિયે એક સુરંગમાં થયેલા વિસ્ફોટમાં પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કર્યું હતું કે તેમણે થાઈલેન્ડ અને કંબોડિયાના નેતાઓ સાથે વાત કરી છે અને સૂચન કર્યું છે કે જો સંઘર્ષ ચાલુ રહેશે તો તેઓ કોઈપણ દેશ સાથે વ્યાપાર કરારો પર આગળ વધશે નહીં. બાદમાં તેમણે કહ્યું કે બંને પક્ષો યુદ્ધવિરામ પર વાતચીત કરવા માટે સંમત થયા છે.
વિવાદનાં મૂળમાં શું છે?
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક મુદ્દો “પ્રેહ વિહેયર મંદિર” (Preah Vihear Temple)નો પણ છે. આ એક પ્રાચીન શિવ મંદિર છે, જે 11મી સદીમાં બનાવવામાં આવ્યું હતું અને તેને ખ્મેર સ્થાપત્યકળાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે. આ મંદિર સરહદ પરની ડાંગરેક પર્વતમાળા પર આવેલું છે અને અહીંથી જ વિવાદની શરૂઆત થાય છે. મંદિર ભૌગોલિક રીતે થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર સ્થિત છે. મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર થાઈલેન્ડ તરફ છે, પરંતુ તે કંબોડિયાની ભૌગોલિક સીમામાં આવે છે, જેનો દાવો કંબોડિયા કરતું આવ્યું છે.