ઇન્ટરનેશનલ

ઓપરેશન સિંદૂરની અસર: લશ્કર-એ-તૈયબામાં ભંગાણ, પાકિસ્તાની સેના પરથી આતંકીઓનો ભરોસો ઉઠ્યો

ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ શિયાળામાં ભારતની ઉત્તર સરહદે ઘૂસણખોરીનું પ્રમાણ વધી જાય છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે આતંકવાદી સંગઠનોને પાઠ ભણવાની નોબત આવી છે. એટલે સુધી કે લશ્કર-ઐ-તૈયબા જેવા સંગઠનમાં આતંરિક વિવાદ વધ્યો છે. ગુપ્તચર સંસ્થાઓ દ્વારા મળેલી વિગતોના આધારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં આંતરિક વિવાદ વધ્યો છે. ભારત દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ લશ્કરને તેના માળખાગત સંગઠનમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે, જે આ તિરાડ પડવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. લશ્કર ઐ તૈયબાના કેટલાક ટોચના નેતાઓ સંગઠનના તાજેતરના નિર્ણયોથી નારાજ છે અને ઓપરેશન સિંદૂર બાદ સંગઠનને ફરી બેઠું કરવાનું પણ તેમના માટે મુશ્કેલ બન્યું છે.

ગુપ્તચર વિભાગના અધિકારીઓના મતે લશ્કરના આતંકીઓનો પાકિસ્તાની આર્મી અને આઈએસઆઈ (ISI) પરથી ભરોસો ડગી ગયો છે. આતંકવાદીઓને હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાની સેના તેમની રક્ષા કરવામાં અસમર્થ છે. આ અવિશ્વાસ પાછળનું એક કારણ એ પણ છે કે પાકિસ્તાન સરકાર ચીન અને અમેરિકાની માંગણીઓ સામે ઝૂકી રહી છે. ખાસ કરીને બલૂચિસ્તાનના ખનિજ સંસાધનો પર ચીન અને અમેરિકાની નજર હોવાથી પાકિસ્તાન સરકાર તેમના હિતોને વધુ પ્રાધાન્ય આપી રહી હોવાનું આતંકી નેતાઓ અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: લશ્કર-એ-તૈયબામાં ભારતમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં, હાફિઝ સઈદ અંગે સ્ફોટક ખુલાસો!

પાકિસ્તાની સેના બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા સંગઠનોને રોકવામાં નિષ્ફળ રહી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાની સેનાએ હવે ‘ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ’ (ISKP)ને મેદાનમાં ઉતારવાનું અને તેને લશ્કર-એ-તૈયબા સાથે જોડવાનું આયોજન કર્યું છે. સેનાના આ નિર્ણયથી લશ્કરના નેતૃત્વમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લશ્કરના નેતાઓમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ચીન અને પશ્ચિમી દેશોના હિતોના રક્ષણ માટે પોતાના જ લોકો સામે લડવું જરૂરી છે? લશ્કરના આંતરિક વિખવાદ અને પાકિસ્તાની સેનાની કથળતી પકડના કારણે પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠનોમાં ભારે અંધાધૂંધી સર્જાઈ છે, જે ભારતીય સુરક્ષા એજન્સી માટે એક મહત્વની વ્યૂહાત્મક સફળતા માનવામાં આવી રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button