પાકિસ્તાનમાં સેના કેમ્પ પર આતંકી હુમલો; સાતનાં મોત…
કરાંચી: પાકિસ્તાનના અશાંત રહેતા બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે મોટો હુમલો થયો છે. સુરક્ષા ચેક પોસ્ટ પર થયેલા ઘાતક હુમલામાં સાત લોકો માર્યા ગયાના અને અન્ય દસ જેટલા લોકો ઘાયલ થયાનાં અહેવાલો છે. આ હુમલો આર્મી કેમ્પ પર થયો છે. આ હુમલામાં સુરક્ષાકર્મીઓ સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલા બાદ બલૂચિસ્તાનના વિવિધ ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં હિન્દુ શ્રદ્ધાળુની ગોળી મારીને હત્યા, નનકાના સાહિબ જતી વખતે બની ઘટના…
BLAએ લીધી હુમલાની જવાબદારી
પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના અહેવાલ અનુસાર, બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં થયેલા હુમલામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી છે.
પીએમ શાહબાઝ શરીફે વ્યક્ત કર્યું દુઃખ
જો કે સમાચાર લખાય રહ્યા છે ત્યાં સુધી પ્રાંતીય સરકાર કે કોઈ વરિષ્ઠ અધિકારીએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ગૃહ પ્રધાન મોહસિન નકવીએ હુમલાની નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં પ્રદૂષણને નાથવા બે શહેરોમાં લાદવામાં આવ્યું Lockdown, લગ્નો પર પ્રતિબંધ
મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ પુષ્ટિ કરી છે કે સુરક્ષાનાં કારણોસર બલૂચિસ્તાનના કેટલાક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. પીટીએએ કહ્યું કે આ પગલું આતંકવાદી હુમલામાં વધારાને કારણે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.