ચૂંટણીના મેદાનમાં આતંકી ચહેરો! આતંકવાદી હાફિઝ સઇદનો પુત્ર લડશે ચૂંટણી..
પાકિસ્તાન: વર્ષ 2024ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં દુનિયાભરમાં આતંક ફેલાવનારા ચહેરાને પણ સ્થાન આપવામાં આવી રહ્યું છે. 2008ના મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદની પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝુકાવ્યું છે, હાફિઝ સઇદનો પુત્ર તલ્હા લાહોરની એક બેઠક પરથી ચૂંટણી લડશે.
હાફિઝ સઈદની પાર્ટી ‘પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ-PMML’ દરેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક બેઠકો પરથી તેના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની છે. લાહોરની NA-127 બેઠક પરથી તલ્હા સઇદ ચૂંટણી લડવાનો છે. આ જ બેઠકથી પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ મેદાનમાં છે. હાફિઝ સઈદની પાર્ટીનું ચૂંટણી ચિન્હ ખુરશી છે.
PMMLના પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારી પાર્ટી પાકિસ્તાનની તમામ રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અમે ભ્રષ્ટાચાર માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા અને પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટે સત્તામાં આવવા માંગીએ છીએ.” ખાલિદ સિંધુ લાહોરની NA-130 બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ચૂંટણી લડી રહ્યા છે.
જો કે PMMLના પ્રમુખ ખાલિદ મસૂદ સિંધુએ એવો પણ દાવો કર્યો છે કે આતંકવાદી હાફિઝ સઇદનું પાર્ટી સાથે કોઇ કનેક્શન નથી. આ પાર્ટીનું નામ પહેલા MML (મિલ્લિ મુસ્લીમ લીગ) હતું, પરંતુ તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના કારણે PMMLની રચના કરવામાં આવી છે. અમેરિકાએ આતંકવાદી હાફિઝ સઈદ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે. હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા લશ્કર-એ-તૈયબા (LeT)નું જ સંગઠન છે.