ચીનમાં ભયાનક પૂર: 30,000 લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા…

બીજિંગઃ દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મૂશળધાર વરસાદે પરિસ્થિતિ બેકાબૂ કરી દીધી છે. ભારે વરસાદને કારણે હુઆજી કાઉન્ટીમાં ભયંકર પૂરની સ્થિતિ પેદા થઇ છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ રીતે અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે.
વહીવટીતંત્રે લગભગ ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. કાઉન્ટીના અડધાથી વધુ રસ્તાઓ જળમગ્ન છે. તેમજ વીજળી અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઇ ગઇ છે.

હુઆજી કાઉન્ટી ગુઆંગશી પ્રદેશની સરહદની નજીક છે. ગુઆંગઝોઉ શહેરથી લગભગ ૧૪૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. જે એક મુખ્ય ઔદ્યોગિક અને બંદર શહેર છે. જે પ્રાંતીય રાજધાની પણ છે. ભારે વરસાદને કારણે અહીંના રસ્તાઓ નહેરમાં ફેરવાઇ ગયા છે.
શહેરનો મોટા ભાગનો ભાગ પૂરના પાણીમાં ગરકાવ થઇ ગયો છે. સુઇજિયાંગ નદીમાં આવેલી ભારે રેલને કારણે શહેરી વિસ્તારો ડૂબી ગયા છે. હવાઇ ફૂટેજમાં જોઇ શકાય છે કે કાદવ જેવા પાણીમાં માત્ર ઊંચી ઇમારતોની છતો અને વૃક્ષોની ડાળીઓ જ નજરે પડે છે. કેટલીક જગ્યાએ પાણી પહેલા માળ સુધી પહોંચી ગયા છે અને માત્ર કારના છાપરા દેખાઇ રહ્યા છે.
ઉષ્ણકટિબંધીય વાવાઝોડા વુટિપને કારણે આ ભયંકર સ્થિતિ પેદા થઇ હોવાનું મનાઇ રહ્યું છે, જે ક્ષેત્રમાં ભારે પવનો અને વરસાદનું કારણ બન્યું છે. ત્યારબાદ પડેલા સીઝનના વરસાદે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. ગુઆંગ્શી પ્રાંતમાં બે અલગ-અલગ સ્થળોએ ભૂસ્ખલનની ઘટનામાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઇ છે.