અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ઇરાને અમેરિકન યુદ્ધ જહાજો પાસે યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી…

તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં એક તરફ અમેરિકા ઈરાન પર સતત હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. ત્યારે હવે ઇરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમજ અમેરિક યુદ્ધ જહાજો પાસે હોર્મુઝ સ્ટ્રેટમાં બે દિવસીય નૌકાદળના યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી છે. આ પૂર્વે પણ ઇરાને અમેરિકાને ચેતવણી આપી હતી કે ઈરાન પર હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ઈરાને 12 દિવસના યુદ્ધે લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવી
આ પૂર્વે ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે તેમનો દેશ વાજબી અને ન્યાયી વાટાઘાટો માટે તૈયાર છે. પરંતુ ટ્રમ્પની મુખ્ય માંગણીઓને નકારી કાઢી હતી. અરાઘચીએ કહ્યું હતું કે સંરક્ષણ વ્યૂહરચના અને મિસાઈલ સિસ્ટમ ક્યારેય વાટાઘાટોનો વિષય રહેશે નહીં.ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે તાજેતરના 12 દિવસના યુદ્ધે તેની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવી છે.

સંઘર્ષે ઈરાની સૈન્યને તેની તાકાત સમજવાની તાકાત આપી
ઈરાનની એજન્સી અનુસાર, આર્મી ચીફ અમીર હતામીએ એક લશ્કરી સમારોહમાં જણાવ્યું હતું કે આ સંઘર્ષે ઈરાની સૈન્યને તેની તાકાત સમજવાની સાથે સાથે દુશ્મનની વ્યૂહરચનાનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવાની તક આપી છે. હતામીના જણાવ્યા અનુસાર, યુદ્ધ પછી ઈરાનની મિસાઈલ સિસ્ટમ્સ, હવાઈ સંરક્ષણ અને એકંદર લશ્કરી ક્ષમતાઓ વધુ સારી અને મજબૂત બની છે. તેમણે તેને ઈરાન માટે એક અનોખો અનુભવ ગણાવ્યો. જે ભવિષ્યના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તેને મજબૂત બનાવે છે.
આ પણ વાંચો…ઈરાન સામે અમેરિકાની યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં દુનિયાનું સૌથી શક્તિશાળી નૌકાદળ તૈનાત…



