ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે તણાવ, જાસૂસીના આરોપ સાથે ઉત્તર કોરિયાએ ડ્રોન તોડી પાડ્યું

પ્યોંગયાંગ: અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી લશ્કરી કાર્યવાહી બાદ આ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. જોકે, આ દરમિયાન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ તણાવ વધ્યો છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને ધમકી આપી આરોપ લગાવ્યો છે કે તે જાસૂસી કરે છે. તેમજ દક્ષિણ કોરિયા પર ડ્રોન ઉડાવવાનો આરોપ પણ મૂક્યો છે. ઉત્તર કોરિયાએ ડ્રોન તોડી પાડયુ હોવાનો દાવો પણ કર્યો છે. જોકે, દક્ષિણ કોરિયાએ તેનો ઇનકાર કર્યો છે.
ડ્રોન ઉત્તર કોરિયાના કેસોંગ શહેર નજીક તોડી પડાયું
સરકારી એજન્સીના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાની સેનાએ જાન્યુઆરીની શરૂઆતમાં દક્ષિણ કોરિયાના સરહદી કાઉન્ટી ગેંગવોન ઉપર ઉત્તર તરફ આગળ વધતા એક ડ્રોનને ટ્રેક કર્યું હતું અને પછી તેને ઉત્તર કોરિયાના કેસોંગ શહેર નજીક તોડી પાડ્યું હતું. સિઓલના ઉત્તરપશ્ચિમમાં આવેલ ગેંગવોન કાઉન્ટી, ઉત્તર કોરિયાની સૌથી નજીકના દક્ષિણ કોરિયાના વિસ્તારોમાંનો એક છે.
ઉત્તર કોરિયાઈ સ્થળોના ફૂટેજ સંગ્રહિત હતા
આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રોન પર વિજિલન્સ ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા હતા. તેમજ ડ્રોનના કાટમાળની તપાસમાં જાણવા મળ્યું છે કે તેમાં સરહદી વિસ્તારો સહિત મુખ્ય ઉત્તર કોરિયાઈ સ્થળોના ફૂટેજ સંગ્રહિત હતા. પ્યોંગયાંગે કહ્યું કે ડ્રોન ફૂટેજ સ્પષ્ટ પુરાવો છે કે તે વિજિલન્સ અને જાસૂસી હેતુઓ માટે તેના હવાઈ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી.
દક્ષિણ કોરિયાને તેની ભારે કિંમત ચૂકવવી પડશે
જ્યારે ઉત્તર કોરિયાના લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે કથિત ઘૂસણખોરી સપ્ટેમ્બરમાં દક્ષિણ કોરિયાએ સરહદી શહેર પાજુ નજીક ડ્રોન ઉડાવ્યા હતા તેના જેવી જ હતી. પ્રવક્તાએ કહ્યું કે જો ઘૂસણખોરી ચાલુ રહેશે તો દક્ષિણ કોરિયાને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.



