દુનિયા વધુ એક યુદ્ધમાં ધકેલાશેઃ સરહદ તરફ વધી રહ્યા છે તાલિબાની લડવૈયા, પાકિસ્તાને ખડક્યું સૈન્ય
લાહોરઃ રશિયા અને યુક્રેન અને ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધને કારણે દુનિયા વધુ એક યુદ્ધમાં ધકેલાઈ જાય તો નવાઈ નહીં. બંને દેશો વચ્ચે છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી લડાઈ હવે વિકરાળ રૂપ લઈ રહી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી શરૂ થયેલો તણાવ હવે વધી રહ્યો છે. તાલિબાનના 15,000 લડવૈયા પાકિસ્તાનની સરહદ તરફ આગળ વધી રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાને પેશાવર અને ક્વેટામાં વધારાનું સૈન્ય ખડકી દીધું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પાકિસ્તાની સેનાની કેટલીક ટુકડીઓ અફઘાન સીમા પર પહોંચી ગઈ છે. અફઘાન તાલિબાન મીર અલી સરહદ નજીક પહોંચી ગયા છે. જોકે હજુ સુધી ગોળીબારના કોઈ સંકેત મળ્યા નથી પરંતુ મોટી માત્રામાં સૈન્ય ખડકી દેવામાં આવ્યું છે.
આ દરમિયાન અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબૂલમાં પાકિસ્તાની દૂતાવાસના પ્રભારીને તેડું મોકલ્યું છે. અફઘાનિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા, હાફિઝ ઝિયા અહમદે આ હુમલાની આકરી નિંદા કરી હતી અને બંને દેશો વચ્ચે તિરાડ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
તાલિબાન પાકિસ્તાન પર પડી શકે છે ભારે
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ તાજેતરમાં વઝીરિસ્તાનના મકીલ વિસ્તારમાં પાકિસ્તાની સેનાના 30 જવાનોને માર્યા તે બાદ વિવાદ વકર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાને એરસ્ટ્રાઇક કરીને તેઓ તેમના સૈનિકોની હત્યા સાંખી નહીં લે તેવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. અફઘાન તાલિબાન પાસે મોટી માત્રામાં હથિયારો અને અંતરિયાળ વિસ્તારોમાં છુપાવાની ક્ષમતા છે. તેમની પાસે એકે-47, મોર્ટાર, રૉકેટે લોન્ચર જેવા અત્યાધુનિક હથિયારનો વિશાળ ભંડાર છે. આ ઉપરાંત તાલિબાની યોદ્ધાઓ પાકિસ્તાની સેના જેનાથી અજાણી છે તેવા પહાડો અને ગુફાઓ પરથી હુમલા કરે છે.
શહબાજ શરીફ સરકાર પહેલાથી આર્થિક સંકટ, સીપૈક પ્રોજેક્ટમાં વિલંબ તથા બલૂચિસ્તાનમાં અલગાવવાદ જેવી સમસ્યાથી ઝઝૂમી રહી છે. આ મુદ્દાએ સરકાર અને સેના બંનેને નબળા પાડ્યા છે. હવે તાલિબાન સાથે ટકરાવથી આ સંકટ વધી શકે છે.
આ પણ વાંચો ; પાકિસ્તાનની હવા ‘નાપાક’: દિલ્હીમાં વધાર્યું પ્રદૂષણ, લાહોરમાં AQ ઈન્ડેક્સ 2,000ને પાર
તાલિબાનોએ અમેરિકા અને રશિયાને પણ હંફાવ્યું હતું
અફઘાન તાલિબાનો લાંબા સમયથી તેઓ કોઈપણ સૈન્યશક્તિ સામે ઝૂકશે નહીં તેમ બતાવતા આવ્યા છે. અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશોને પણ તેણે વર્ષો સુધી હંફાવ્યા હતા અને આખરે તેઓ અફઘાનિસ્તાનથી પરત જવા મજબૂર થયા હતા. પાકિસ્તાન પાસે તાલિબાનનો સામનો કરી શકે તેવી સૈન્ય શક્તિ કે આર્થિક ક્ષમતા નથી.
મીર અલી બોર્ડર પર વધતી ગતિવિધિના કારણે પાકિસ્તાને પણ તેની સેનાને એલર્ટ રાખી છે. સરહદર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે અને વર્તમાન સ્થિતિ મોટા સંઘર્ષનો સંકેત આપે છે.
અફઘાનિસ્તાનના ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ કહે છે, તાલિબાનનો જલદી ખાતમો થશે. તેમની પાસે 80 હજાર લડવૈયા છે અને અફઘાનિસ્તાનની સેના પાસે પાંચથી 6 લાખ સૈનિક છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન પાસે વાયુ સેના પણ છે, જે તાલિબાન પર ભારે પડશે. જોકે આ દાવા છતાં અનેક એવા તથ્યો છે જે જમીન સ્તર પર તાલિબાનને મજબૂત સાબિત કરી રહ્યા છે.