Pakistan પર તાલિબાનનો હુમલો, 2 ચોકી પર કબજો, 19 સૈનિક મારવાનો દાવો
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની(Pakistan)વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો બદલો લેવા તાલિબાની લડવૈયાઓએ શનિવારે સવારે લગભગ 4 વાગ્યે અફઘાન-પાક બોર્ડર પર હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેના તાલિબાનની તોપો અને મશીનગન સામે લાચાર દેખાઈ હતી. અફઘાનિસ્તાનના તાલિબાન લડવૈયાઓના આ હુમલાને કારણે પાકિસ્તાની સેનાએ તેની બે સરહદી ચોકીઓ છોડીને પીછેહઠ કરવી પડી હતી. તાલિબાનો દાવો કરે છે કે આ હુમલામાં લગભગ 19 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે.
આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા; કોની પાસે કેટલી શકતી? તાલિબાન પાસે છે આ વિશેષ ક્ષમતા જે
પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો
મીડિયા અહેવાલ મુજબ, તાલિબાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સંઘર્ષ ડુરંડ લાઇનની નજીક પક્તિયા અને ખોસ્ત વિસ્તારોમાં થયો હતો. આ સંઘર્ષમાં તાલિબાન લડવૈયાઓએ માત્ર પાકિસ્તાની ચોકીઓ પર જ હુમલો કર્યો ન હતો પરંતુ તેને બાળીને રાખ પણ કરી દીધી હતી. તેમનો હુમલો એટલો ભયંકર હતો કે પાકિસ્તાની સેનાને પીછેહઠ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નહોતો.
નાગરિક વિસ્તારો પર મોર્ટાર વડે હુમલો કર્યો
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વિસ્તારોમાં લડવૈયાઓએ ઓછામાં ઓછા 19 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા. પાકિસ્તાને પોતાનો ગુસ્સો અને કાયરતા દર્શાવતા સરહદ પરના નાગરિક વિસ્તારો પર મોર્ટાર વડે હુમલો કર્યો, જેમાં ત્રણ નાગરિકો માર્યા ગયા.
પાકિસ્તાની સેના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી
સ્થાનિક તાલિબાન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તાલિબાન દળોએ શનિવારે વહેલી સવારે પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો અને તેમને કબજે કર્યા. અહેવાલો અનુસાર બંને તરફથી હજુ પણ ગોળીબાર ચાલુ છે. જો કે આ ઘટના પર પાકિસ્તાની સેના તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
તાલિબાને જવાબી કાર્યવાહીનો આદેશ આપ્યો
આ પહેલા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સના હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 51 લોકો માર્યા ગયા હતા. તાલિબાને પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેને આની ભારે કિંમત ચૂકવવી પડશે. તેના જવાબમાં પાકિસ્તાને કહ્યું હતું કે વાયુસેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. તાલિબાને તેને તેની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો અને જવાબી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.