તાઈવાનના વિદેશ પ્રધાને ભારતમાં ઈન્ટરવ્યુ આપતા ચીનને લાગ્યા મરચા
ભારતમાં ચીની દૂતાવાસે એક ભારતીય મીડિયા ચેનલ સાથે તાઈવાનના વિદેશ પ્રધાન જોસેફ વુના ઈન્ટરવ્યુને લઈને નિવેદન જાહેર કર્યું છે. ચીને આક્ષેપ કર્યો છે કે ચેનલે વિદેશ પ્રધાનને ‘તાઈવાનની સ્વતંત્રતા’ની વકીલાત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જવાબમાં તાઈવાનના તાઈપેઈએ કહ્યું કે ભારત અને તાઈવાન મુક્ત અને ગતિશીલ પત્રકારત્વ ધરાવતા લોકશાહી દેશ છે. નોંધનીય છે કે ભારત તાઈવાનના સંદર્ભમાં ‘વન ચાઈના નીતિ’નું પાલન કરે છે અને તાઈપેઈ સાથે તેના ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી.
ચીનના દૂતાવાસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “29 ફેબ્રુઆરી, 2024ના રોજ, એક ભારતીય ટીવીએ તાઈવાનના ફોરેન અફેર્સ ઓફિસના વડા જોસેફ વુ સાથે એક ઈન્ટરવ્યુ પ્રસારિત કર્યો હતો, જેમાં તેઓ ‘તાઈવાનની સ્વતંત્રતા’ની હિમાયત કરતા જોવા મળ્યા હતા. આ વન ચાઇના નીતિ’નું ગંભીર ઉલ્લંઘન છે અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
ચીનનો ‘વન-ચાઇના સિદ્ધાંત’નો અર્થ એ છે કે ‘વિશ્વમાં એક જ ચીન છે. તાઇવાન ચીનનો ભાગ છે, અને ચીનની પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સરકાર સમગ્ર ચીનનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર કાનૂની સરકાર છે.
ચીનના આવા વિરોધના જવાબમાં તાઇવાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘ભારત કે તાઇવાન ન તો પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના (PRC)નો ભાગ છે અને અમે તેની કઠપૂતળીઓ નથી. બંને સ્વતંત્ર અને ગતિશીલ પત્રકારત્વ ધરાવનાર લોકશાહી દેશ છે, જેને ચીન દ્વારા કોઇ આદેશ આપી શકાય નહીં.
ચીન અને તાઇવાનની વાત કરીએ તો ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધો અલગ છે. તાઇવાન એ ચીનના દક્ષિણ-પૂર્વ કિનારાથી 100 માઇલ અથવા લગભગ 160 કિલોમીટર દૂર સ્થિત એક નાનો ટાપુ છે. તાઈવાન 1949 થી પોતાને એક સ્વતંત્ર દેશ માની રહ્યું છે, પરંતુ અત્યાર સુધી વિશ્વના ફક્ત 14 દેશોએ તેને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે અને તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા છે. ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે અને માને છે કે એક દિવસ તાઈવાન તેનો ભાગ બની જશે. તે જ સમયે, તાઇવાન પોતાને એક સ્વતંત્ર દેશ ગણાવે છે. તેનું પોતાનું બંધારણ છે અને ચૂંટાયેલી સરકાર છે.