વિવાદિત બિલ રજૂ થતાં આ દેશની સંસદ બની અખાડો; સાંસદો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…

તાઈપેઈ: તાઈવાનની સંસદમાં શુક્રવારે હોબાળો મચી ગયો હતો, જ્યારે દેશનું મુખ્ય વિપક્ષ પાર્ટીના સભ્યો રાતે સંસદમાં ઘૂસી ગયા હતા અને સ્પીકરની ખુરશી પર કબજો જમાવી લીધો. ત્યારબાદ તે લોકોને હટાવવા માટે સત્તાધારી પક્ષના સભ્યો બળજબરીથી અંદર પ્રવેશ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. તાઈવાનના મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અથડામણમાં કેટલાક ધારાસભ્યો પણ ઘાયલ થયા છે.
આ પણ વાંચો : પુતિન યુક્રેન સાથે સમજૂતી માટે તૈયાર! ટ્રંપ સાથે ફોન પર વાત કરી
ત્રણ બિલને લઈને વિવાદ
આ વિવાદ ત્રણ બિલને લઈએ ખડો થયો છે, જેને નેશનલિસ્ટ પાર્ટી દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાના એક બિલ પર ટીકાકારોનું કહેવું છે કે તે બંધારણીય અદાલતને નબળી પાડશે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ધારાસભ્યો ગુરુવારે રાત્રે બારીઓ તોડીને સંસદ ભવનમાં પ્રવેશ્યા અને સ્પીકરની ખુરશી પર કબજો કર્યો હતો. તેઓએ ખુરશીઓની દિવાલ બનાવીને રસ્તો રોક્યો હતો.
સંસદમાં ધક્કામુક્કી
શુક્રવારે અથડામણની તસવીરો અને વિડિયોમાં ધારાસભ્યોને ધક્કામુક્કી કરતાં અને નેશનલિસ્ટ પાર્ટીના સભ્યોને સમૂહમાં પ્રવેશતા દેખાતા હતા. તેમનો ઉદ્દેશ્ય અધ્યક્ષ હાન કુઓ-યુને તેમની ખુરશી પર બેસાડવાનો હતો. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી આ બિલો પર મતદાન રોકવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે છેલ્લી ચૂંટણીમાં DPP કે KMT બેમાંથી કોઈને બહુમતી મળી ન હતી, તેમ છતાં KMTએ એક નાના પક્ષ સાથે મળીને સંસદ પર નિયંત્રણ મેળવ્યું હતું.
આ પણ વાંચો : ભારત -ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો, કૈલાશ-માન સરોવર યાત્રા ફરીથી શરૂ થશે
બિલોમાં શું છે જોગવાઈ?
તાઇવાન સંસદમાં જે ત્રણ બિલો પર વિવાદ જામ્યો છે તે બિલો બંધારણીય અદાલતને મર્યાદિત કરવા, ચૂંટાયેલા અધિકારીઓને હટાવવાની પ્રક્રિયા વધારે કઠિન બનાવવા અને સ્થાનિક સરકારોને ટેક્સની આવકનો મોટો હિસ્સો આપવાની જોગવાઈ કરે છે. ગુરુવારે રાત્રે અને શુક્રવારે હજારો ડીપીપી સમર્થકોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું.