તાઈવાનનો ભૂકંપ તમને આ રીતે પણ મોંઘો પડશે, જાણો કઈ ઈન્ડસ્ટ્રી પર થશે વધુ અસર
અમદાવાદઃ વિશ્વના કોઈપણ ભાગમાં ભૂકંપ આવે, ગુજરાતવાસીઓને 2001માં આવેલા ભૂકંપની યાદ આવી જાય. કુદરતના કહેર સામે માનવી કેવો લાચાર થઈ જાય છે, તેનો અનુભવ ગુજરાતીઓને છે જ. આવી હોનારતોમાં જાનહાનિ થાય ત્યારે સૌથી વધારે દુઃખ થતું હોય છે, પરંતુ જાન સાથે માલનું નુકસાન પણ થાય છે અને તે ઘણીવાર મહિનાઓ કે લાંબા સમય સુધી ભરપાઈ થઈ શકતું નથી. આ સાથે વેપાર-ધંધાની દૃષ્ટિએ આખા વિશ્વને અસર થાય છે.
Taiwanમાં આપેલા ભયાનક ભૂકંપને લીધે પણ ઘણી ઈન્ડસ્ટ્રીને અસર થશે, જેમાં સૌથી વધારે, સેમી કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીને અસર થશે. મોબાઈલ ફોન, કમ્પ્યુટર અને બીજી બધી ઈલેક્ટ્રોનિક આઈટમને અસર થશે અને આગામી અમુક મહિનાઓ સુધી તેની સપ્લાય ઓછી થવાની અને આ વસ્તુ મોંઘી થવાની સંભાવના છે, તેમ નિષ્ણાતો જણાવે છે.
તાઈવાનમાં 7.4 મેગ્નિટ્યૂડનો વિનાશક ભૂંકપ આવ્યો છે. અહીં Taiwan Semiconductor Manufacturing Co. (TSMC),અને United Microelectronics Corp. (UMC) બન્ને કંપનીઓએ તેમની ફેક્ટરી બંધ કરી દીધી છે. આ બંને કંપની વિશ્વની ચિપ બનાવતી સૌથી મોટી કંપનીઓ છે.
Apple અને NVIDIAને ચિપ સપ્લાય કરતી TSMC કંપનીએ તેમના સ્ટાફને અન્યત્ર ખસેડી લેવો પડ્યો છે. UMCએ પણ આમ જ કર્યું છે.
આ બન્ને કંપનીઓ અને અન્ય કંપનીઓ જે તાઈવાનમાં છે તે મોટા ભાગના આઈફોન અને સ્માર્ટફોનને તેમ જ એઆઈ ટેકનોલોજીને ચિપ પૂરી પાડી છે. એક સર્વે અનુસાર લગભગ 80થી 90 ટકા સિલિકોન ચિપ આ બન્ને કંપનીઓ પૂરી પાડે છે. આ કંપનીઓ રૉ મિટિરિયલ અથવા તો સિલિકૉન વફર્સના રૂપમાં આ વસ્તુઓ દુનિયાને આપે છે.
ભૂકંપના આંચકાઓ પછી પણ સ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય લાગે છે ત્યારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને લાગેલો ફટકો દુનિયાભરને અસર કરશે તે વાત નક્કી છે.