ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Taiwan Earthquake: તાઈવાનમાં 7.5ની તીવ્રતાના ભૂકંપે તારાજી સર્જી, સુનામીની ચેતવણી

આજે બુધવારે સવારે તાઈવાનમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.5 માપવામાં આવી હતી, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાઈવાનમાં 25 વર્ષમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે. તાઈપેઈના ઘણા ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી દેવા ચેતવણી આપવામાં આવી છે.

વોલ્કેનો ડિસ્કવરીના રિપોર્ટ અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર હુઆલીન શહેરથી લગભગ 18 કિલોમીટર દક્ષિણમાં હતું. ભૂકંપની ઊંડાઈ 35 કિમી હતી અને દેશના મોટા ભાગમાં તેનો અનુભવ થયો હતો. ભૂકંપની ઊંડાઈને કારણે વધુ વિનાશક સાબિત થયો છે. 7.5 ની તીવ્રતાના ભૂકંપ બાદ કેટલક વધુ આંચકા પણ અનુભવાયા છે. આમાંથી કેટલાક ભૂકંપ 6.5ની તીવ્રતાના હતા.

એક અહેવાલ અનુસાર, તાઈવાનના ઈલેક્ટ્રિસિટી ઓપરેટર તાઈપાવરનું કહેવું છે કે ભૂકંપના કારણે ઘણા ભાગોમાં વીજળી સપ્લાય બંધ થઇ ગયો છે. દેશભરમાં 87,000 થી વધુ લોકો વીજળી વિના જીવી રહ્યા છે. હાલમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

તાઈવાનના અગ્નિશમન વિભાગે બુધવારે સવારે જણાવ્યું હતું કે ટાપુના પૂર્વ કિનારે 7.4ની તીવ્રતાના ભૂકંપના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંકડો હજુ વધી શકે છે.

તાઇવાનના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશને પણ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી છે. ઉત્તરીય તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે. લોકોને તાત્કાલિક ઊંચાઈવાળા વિસ્તારોમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

તાઇવાનના પાડોશી દેશ જાપાને સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જાપાનની મેટ્રોલોજીકલ એજન્સીએ 3 મીટર (10 ફૂટ) ઊંચા સુનામી મોજાંની ચેતવણી જારી કરી છે. લોકોને ઓકિનાવાના દક્ષિણ ભાગમાં દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને અહીંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, જાપાનનો મિયાકોજીમા ટાપુ તાઈવાન પાસે છે.

તાઈવાન ભૂકંપની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, જેમાં ઈમારતો ધરાશાયી થતી જોઈ શકાય છે. ઘણા મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ પડી રહય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button