Syrian Civil War: બળવાખોરોએ સીરિયાની રાજધાની કબજે કરી, અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત
નવી દિલ્હી: મધ્ય પૂર્વના સીરિયામાં ગૃહયુદ્ધ ચરમસીમાએ (Syrian Civil War)પહોંચ્યું છે, અહેવાલો મુજબ બળવાખોર સંગઠન તહરિર અલ-શામ (HTS)એ રાજધાની દમાસ્કસ(Damascus) પર કબજો મેળવી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ (Bashar al-Assad) દેશ છોડીને નાસી ગયા છે. બળવાખોરોએ સરકારી રેડિયો અને ટીવી બિલ્ડિંગ પર પણ કબજો જમાવી લીધો છે, અહીંથી તેઓ નવી સરકારની જાહેરાત કરી શકે છે. બળવાખોરો શહેરમાં જીતની ઉજવણીમાં વ્યસ્ત છે અને હવામાં ફાયરિંગ કરીને ઉજવણી કરી રહ્યા છે.
આઝાદ સીરિયા તમારી રાહ જોઈ રહ્યું છે:
HTS નેતા અહેમદ અલ-શારાએ ટેલિગ્રામ પર બળવાખોરોને સંદેશ આપ્યો છે. તેના અસલી નામ અબુ મોહમ્મદ અલ-જોલાનીનો ઉપયોગ કરીને તેણે કહ્યું કે દમાસ્કસ તમારી રાહ જોઈ રહ્યું છે. સીરિયન સરકાર પડી ભાંગી છે, આ સાથે જ અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો છે.
રવિવારે જાહેર કરાયેલા નિવેદન મુજબ HTSએ દમાસ્કસને આઝાદ જાહેર કરી દીધું છે. લશ્કરી કમાન્ડે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે “અમે દમાસ્કસ શહેરને સરમુખત્યાર બશર અલ-અસદથી મુક્ત જાહેર કરીએ છીએ, વિશ્વભરના વિસ્થાપિતો, એક આઝાદ સીરિયા તમારી રાહ જોઈ રહ્યું છે.”
એરપોર્ટ પર કબજો:
HTSએ અસદના સૈનિકોને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. ઘણા વિસ્તારોમાંથી સરકારના સૈનિકો ભાગી ગયા છે. દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે, તમામ ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી. સીરિયન વિદ્રોહીઓએ દમાસ્કસની જેલમાંથી કેદીઓને મુક્ત કર્યા છે. HTS સેનાના આગમન પહેલા ઘણા લોકોએ દમાસ્કસ શહેર છોડી દીધું હતું. હવે HTSએ સીરિયાની બહાર રહેતા લોકોને પાછા ફરવાની અપીલ કરી છે.
Also read: Syrian Civil War: બળવાખોરો રાજધાની દમાસ્કસની નજીક, રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને નાસી ગયા
વડા પ્રધાન સત્તા સોંપવા તૈયાર:
દમાસ્કસથી ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં સીરિયન બળવાખોરો દમાસ્કસમાં ઉજવણી કરતા જોવા મળે છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અસદના સૈનિક સિવિલ ડ્રેસમાં દમાસ્કસ છોડી રહ્યા છેસીરિયાના વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ શાંતિપૂર્ણ રીતે HTSને શાસન સોંપવા માટે તૈયાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા:
સીરિયાને બાબતે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ અમારી લડાઈ નથી. આપણે સીરિયામાં વધી રહેલા સંઘર્ષથી દૂર રહેવું જોઈએ. અસદને સૌથી વધુ સમર્થન રશિયા અને ઈરાનથી મળે છે.
સીરિયા ગૃહ યુદ્ધ:
સીરિયામાં છેલ્લા ઘણા સમયથી ગૃહયુદ્ધની સ્થિતિ હતી. આ યુદ્ધની શરૂઆત વર્ષ 2011થી થઇ હતી. જ્યારે હિંસામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. તો લાખો લોકોને ઘર છોડવાની ફરજ પડી હતી. આ યુદ્ધ બશર અલ-અસદની સરકાર સામે શરૂ થયું હતું, પરંતુ હવે તેમાં ઘણા જુદા જુદા જૂથો જોડાયા છે. તેમાં બળવાખોર જૂથો, આતંકવાદી સંગઠનો અને અન્ય દેશોની સેનાઓ સામેલ હતી.
આ યુદ્ધને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લાખો સીરિયન શરણાર્થીઓને પડોશી દેશોમાં આશરો લેવો પડ્યો છે. રશિયાએ બશર અલ-અસદની સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.