સીરિયાથી ભાગીને પરિવાર સાથે રશિયા પહોંચ્યા અસદ, રાષ્ટ્રપતિ પુતિને આપ્યો રાજકીય આશ્રય
નવી દિલ્હીઃ સીરિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, સીરિયામાં અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો છે. સીરિયાના પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા પહોંચી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને આશ્રય આપ્યો છે. રાષ્ટ્રપતિ અસદ પોતાની પત્ની અસમા અને બંને બાળકો સાથે રાત્રે રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યા હતા. અસદનું વિમાન સીરિયાના લતાકિયાથી ટેકઓફ કરીને મોસ્કો પહોંચ્યું હતું. રશિયાએ કહ્યું છે કે સીરિયામાં શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ થવું જોઈએ.
રશિયન સમાચાર એજન્સી ‘તાસ’ અને ‘આરઆઈએ’, ‘ક્રેમલિન’ના રાષ્ટ્રપતિ કાર્યાલયના એક અનામી સ્ત્રોતને ટાંકીને અહેવાલ આપ્યો છે કે અસદ અને તેમના પરિવારને મોસ્કોમાં આશ્રય આપવામાં આવ્યો છે. આરઆઈએ સમાચારે એમ પણ કહ્યું છે કે રશિયાને સીરિયામાં રશિયન લશ્કરી થાણા અને રાજદ્વારી કચેરીઓની સુરક્ષા અંગે સીરિયન બળવાખોરો પાસેથી બાંયધરી મળી છે.
અહેવાલ મુજબ અસદ રવિવારે વહેલી સવારે સીરિયા છોડી ગયા હતા. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરી લેતા અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો છે. રશિયા અને ઈરાન જેવા દેશ દાયકાઓથી અસદને ટેકો આપી રહ્યા છે. આંતરિક સંઘર્ષ શરૂ થયા બાદ શુક્રવારે રશિયાએ પોતાના નાગરિકોને સીરિયા છોડી દેવાનું કહ્યું હતું અને ઈરાને પણ પોતાના લોકોને બોલાવવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ બળવાખોરો આટલી ઝડપથી દેશ પર કબજો કરી લેશે એવી કોઇને કલ્પના નહોતી. વર્ષો પહેલા અલ કાયદા સાથે સંબંધો તોડી નાખનાર અને આ આંતરિક સંઘર્ષની આગેવાની લેનાર અબુ મોહમ્મદ અલ-ગોલાની સૌથી મોટા બળવાખોર જૂથનો નેતા છે અને હવે તે સીરિયાના ભવિષ્યની દિશા નક્કી કરશે. અલકાયદાથી અલગ થયા બાદ તે ધાર્મિક સહિષ્ણુતાને મહત્વ આપવાની વાત કરી રહ્યો છે.
Also read: ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક બિલ્ડીંગ પર એર સ્ટ્રાઈક કરી, 5ના મોત
અસદના શાસનનો અંત ઈરાન અને તેના સાથીઓ માટે એક મોટો ફટકો છે. ઇરાન ઈઝરાયલ સામે એક વર્ષથી વધુ ચાલેલા સંઘર્ષથી નબળું પડી ગયુ છે. સમગ્ર ગૃહયુદ્ધ દરમિયાન અસદને મજબૂત ટેકો આપનાર ઈરાને કહ્યું હતું કે સીરિયનોએ વિનાશક વિદેશી હસ્તક્ષેપ વિના તેમના દેશનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે અશાંતિના કારણે સીરિયન સૈનિકો તેમના મોરચા પરથી પાછા હટી ગયા બાદ ઇઝરાયલી સૈનિકોએ 1974માં ગોલાન હાઇટ્સમાં બનાવવામાં આવેલા ‘બફર ઝોન’ પર કબજો કર્યો છે.
સીરિયાની પ્રજાની વાત કરીએ તો આંતરિક સંઘર્ષથી ઉદ્ભવેલી ભવિષ્ય અંગેની અનિશ્ચિતતાને કારણે હજારો લોકોએ ઘર છોડી દીધું છે. દેશમાં યુદ્ધ શરૂ થવાના ડરથી અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ લોકોએ ઘર છોડી દીધું છે, આવનારા દિવસોમાં આ સંખ્યામાં વધારો થશે એમ માનવામાં આવે છે. સીરિયાથી આવતા શરણાર્થીઓને રોકવા માટે જોર્ડન અને લેબનોને પોતાની સરહદો બંધ કરી દીધી છે.