ઇન્ટરનેશનલ

Hindu Population: યુરોપના આ દેશમાં હિન્દુઓની વસ્તીનો આંકડો જાણો છો…

દરેક દેશમાં એક ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે તો બીજાની સંખ્યા ઓછી હોય છે. ભારતમાં હિન્દુઓ બહમતીમાં છે, પણ એવા ઘણા દેશ છે જ્યાં હિન્દુઓની સંખ્યા ઓછી છે અને તેમાંનો એક દેશ છે સ્વીડન. યુરોપિયન ખંડમાં આવેલો સ્વીડન એવો દેશ છે જ્યાં હિન્દુઓની વસ્તી નહિવત છે. વિકિપીડિયા અનુસાર, સ્વીડનમાં માત્ર 0.13 ટકા લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે. આ દેશમાં હિંદુ ધર્મ સ્પષ્ટપણે લઘુમતી ધર્મ છે. સ્વીડનની કુલ વસ્તી 1 કરોડ 5 લાખ છે, જેમાંથી માત્ર 13 હજાર લોકો જ હિંદુ ધર્મનું પાલન કરે છે. સ્વીડનમાં સૌથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મને અનુસરે છે, જ્યારે બીજી સૌથી મોટી સંખ્યામાં લોકો ઇસ્લામને અનુસરે છે.

સ્વીડનમાં હિન્દુ ધર્મ મુખ્યત્વે ભારતીય મૂળના લોકો અને બિન-નિવાસી ભારતીયો દ્વારા પાળવામાં આવે છે. બિન-નિવાસી ભારતીયો તે હિન્દુઓ છે જેઓ ભારત સિવાયના દેશોમાંથી આવ્યા છે. આમાંના મોટાભાગના તમિલ, પંજાબી, બંગાળી, ગુજરાતી, તેલુગુ અને કન્નડ છે. 1950ના દાયકામાં સ્વીડન ગયેલા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં સ્થાયી થયા હતા. આ સિવાય 1970ના દાયકામાં યુગાન્ડાથી ભારતીયોનું બીજું જૂથ આવ્યું હતું. 1984 પછી કેટલાક ભારતીયોએ સ્વીડનમાં રાજકીય આશ્રય માંગ્યો અને ત્યાંની નાગરિકતા મેળવી.

એવું કહેવાય છે કે સ્વીડનમાં ભારતીય સમુદાય સાંસ્કૃતિક રીતે ખૂબ જ સક્રિય છે. સ્વીડનમાં ઘણા સંગઠનો રચાયા છે જે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને રાષ્ટ્રીય દિવસોની ઉજવણી પણ કરે છે. શ્રીલંકાના તમિળ હિન્દુ શરણાર્થીઓ અને બાંગ્લાદેશના હિન્દુ શરણાર્થીઓ પણ સ્વીડનમાં રહે છે. આ સિવાય 2008માં સ્વીડનની ઈમિગ્રેશન પોલિસીમાં સુધારા બાદ ભારતના ઘણા લોકો સ્વીડન જઈ રહ્યા છે. ભારતમાંથી મોટાભાગના ભારતીયો કોમ્પ્યુટર નિષ્ણાત તરીકે સ્વીડનમાં જાય છે.

અનુમાન મુજબ વર્ષ 2005માં સ્વીડનમાં 7 હજારથી 10 હજાર હિંદુઓ હતા. જેમાંથી 2 હજાર તમિળ મૂળના અને 1500 બંગાળી મૂળના હતા. સ્વીડનમાં ભારતીય આઈટી અને અન્ય એન્જિનિયરોના આગમનને કારણે દેશમાં હિન્દુત્વ વધી રહ્યું છે. એસોસિએશન ઑફ રિલિજિયન ડેટા આર્કાઇવ્સના અંદાજ મુજબ, 2020માં સ્વીડનમાં લગભગ 13,000 હિંદુઓ હતા, જે કુલ વસ્તીના 0.13 ટકા છે.

હિન્દુ ફોરમ સ્વીડન (HFS) એ સ્વીડનમાં એક મુખ્ય હિન્દુ સંગઠન છે. આ સંસ્થા સ્વીડનના હિંદુઓ અને સ્વીડિશ રાજકારણીઓ વચ્ચે સંકલન સાધવાનું કામ કરે છે. તે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સત્સંગ સંસ્થાનું પણ દેશમાં મંદિર છે. આ જ સંગઠને UAEમાં એક હિંદુ મંદિર પણ બનાવ્યું છે. વર્ષ 1973માં શ્રી પ્રભુપાદે સ્વીડનની મુલાકાત લીધી હતી, તેમ અહેવાલો જણાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button