વાવાઝોડાં ‘ઇશા’એ યુકેમાં મચાવી તબાહી, સૌથી વધુ અસર ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં..
22 જાન્યુઆરીના રોજ બ્રિટનમાં આવેલા વિનાશક વાવાઝોડાં ‘ઇશા’ને કારણે સમગ્ર યુકેમાં અતિવૃષ્ટિનો માહોલ છે. હજારો ઘરોમાં અંધારપટ છવાયો છે અને અનેક ટ્રેન રદ કરવાની અસર પડી છે. વાવાઝોડાનું જ્યારે ગઇકાલે લેન્ડફોલ થયું તે સમયે 160 કિમીની ઝડપથી પવન ફુંકાયો હતો.
મોટી સંખ્યામાં 100 થી 150 વર્ષ જૂના વૃક્ષો વાવાઝોડામાં ધરાશાયી થયા હતા. કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાંની ભીષણ અસરોને પગલે અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ અસર ઉત્તર ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં અનુભવાઇ રહી છે. યુકેના હવામાન વિભાગે હજુ આગામી 48 કલાકની અંદર તેજ પવનો સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર આયર્લેન્ડમાં લગભગ 40 હજારથી વધુ લોકો રાતોરાત વિજળી વગરના થઇ ગયા હતા.
તોફાનને પગલે સુરક્ષાના કારણોસર સ્કોટલેન્ડમાં તમામ પેસેન્જર અને માલવાહક સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. સ્કોટલેન્ડમાં રેલવે સેવા સાવ ઠપ્પ થઇ ગઇ છે. આ મામલે પ્રવાસીઓને અગાઉથી જાણ પણ કરી દેવામાં આવી હતી. ડબ્લિન એરપોર્ટ દ્વારા પણ ફ્લાઇટ્સનું સ્ટેટસ જોઇને એરલાઇન્સ કંપનીનો સંપર્ક કર્યા બાદ જ નીકળવા અપીલ કરાઇ છે.