Elon Musk ની સેટેલાઈટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકની ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી થવાની શક્યતા
નવી દિલ્હી : ભારતમાં ઇલોન મસ્કની(Elon Musk)સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંકની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટર ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે સ્પેક્ટ્રમ ફાળવવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. સ્ટારલિંક ઉપરાંત, જિયો સેટકોમ, એરટેલ વનવેબ અને એમેઝોન કવીપર ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવાની રેસમાં છે. જિયો અને એરટેલે શરતોના પાલનની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેના કારણે આ બંને કંપનીઓ સ્પેક્ટ્રમ ફાળવણી સાથે સેટેલાઇટ બ્રોડબેન્ડ શરૂ કરી શકે છે. જ્યારે સ્ટારલિંક અને એમેઝોને કેટલીક શરતોનું પાલનને પૂર્ણ કરવું પડશે.
ઇલોન મસ્કની સ્ટારલિંકની ભારતમાં પ્રવેશની તૈયારી ઇલોન મસ્કની કંપનીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા માટેના તમામ પાલન ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. સ્ટારલિંકે 2022 સુધીમાં ભારતમાં તેની સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા માટે પણ અરજી કરી છે. કંપનીએ હાલમાં અમેરિકા, યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે.
ટૂંક સમયમાં સ્પેક્ટ્રમની ફાળવણી અંગે નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટરે ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ કરવા માટે 15 ડિસેમ્બર સુધીમાં DoT એટલે કે ટેલિકોમ્યુનિકેશન વિભાગને તેની ભલામણો આપી છે. હવે ટેલિકોમ વિભાગ ટૂંક સમયમાં સ્પેક્ટ્રમની ફાળવણી અંગે નિર્ણય લઈ શકે છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે 2જીની જેમ સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા માટે સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે. જોકે, જિયો અને એરટેલ હરાજી દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણીના પક્ષમાં છે.
ઈન્ટરનેટ જગત માટે મોટું પગલું તાજેતરના અહેવાલો અનુસાર, ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા અંગેનો નિર્ણય જાન્યુઆરી મહિનામા લેવામાં આવી શકે છે. એક્સેસ સર્વિસ પ્રોવાઈડર્સને સ્પેક્ટ્રમની ફાળવણી ટૂંક સમયમાં થઈ શકે છે. આ પછી ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ શરૂ કરી શકાશે. સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા શરૂ થયા પછી યુઝર્સ કોઈપણ મોબાઇલ નેટવર્ક અથવા ઓપ્ટિકલ ફાઇબર વિના પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. ઈન્ટરનેટ જગત માટે આ ખૂબ જ ખાસ બની રહેશે. ટ્રાઈ દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણી અંગેના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.