તો શું ઇઝરાયેલ હમાસ સામે યુદ્ધ બંધ કરશે?
નેતન્યાહુએ બંધકોને મુક્ત કરવા પર સમજૂતિના સંકેત આપ્યા
તેલ અવીવઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે અમેરિકન મીડિયાને જણાવ્યું હતું કે ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા લોકોને મુક્ત કરવા માટે સમજૂતી થઈ શકે છે, પરંતુ યોજનાની સંભવિત નિષ્ફળતાના ડરથી તેમણે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.
એક મીડિયા હાઉસ દ્વારા જ્યારે ઇઝરાયલના વડા પ્રધાનને પૂછવામાં આવ્યું કે શું હમાસના આતંકવાદીઓ સાથે બંધકોને મુક્ત કરવા માટે કોઈ સંભવિત સમજૂતિ સાધવામાં આવી છે, તો તેના જવાબમાં નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, ‘કદાચ’ , પરંતુ નેતન્યાહુએ કોઈપણ યોજના વિશે ચોક્કસ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે 7 નવેમ્બરે હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 239 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલે પણ ગાઝા પટ્ટી પર હુમલો શરૂ કરી દીધો હતો અને ગાઝા પટ્ટીને કાટમાળમાં ફેરવી નાખી હતી. નેતન્યાહુએ એમ પણ જણાવ્યું હતું કે કેટલા બંધકોને મુક્ત કરવામાં આવશે, એ અંગે હાલમાં કોઇ માહિતી નથી.
7 ઓક્ટોબરે, હમાસ દ્વારા ઇઝરાયેલ પરના હુમલામાં 239 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. નેતન્યાહુએ એ પણ કહ્યું ન હતું કે આ તમામ બંધકોને મુક્ત કરવામાં આવશે કે કેમ. નેતન્યાહુએ એમ પણ કહ્યું હતું કે, ‘મને લાગે છે કે હું આ બાબત વિશે જેટલું ઓછું કહું છું, તો એ સાચું (શક્ય) થવાની શક્યતાઓ એટલી જ વધારે છે.’
જોકે, નેતન્યાહુએ બંધકોને મુક્ત કર્યા વિના ગાઝામાં યુદ્ધવિરામની માંગને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે એ પણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો કે ઈઝરાયેલ બંદીવાનોને બચાવવા અથવા સુરક્ષિત રીતે મુક્ત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકન મીડિયા સાથેની વાતચીતમાં નેતન્યાહુએ ગાઝાની હોસ્પિટલોના મુદ્દા પર પણ પ્રતિક્રિયા આપી હતી. ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા સંચાલિત સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફાની ઇઝરાયલે હાલમાં સંપૂર્ણ ઘેરાબંધી કરી છે. હૉસ્પિટલમાંથી દર્દીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવાના પ્રયાસો ચાલુ છે.