ઇન્ટરનેશનલ

સ્પેનની રોયલ ફેમિલી વિવાદોમાં: રાણી લેટિઝિયાનાં લગ્નેતર સંબંધોનો ઘટસ્ફોટ

મેડ્રિડ: રાજા ફેલિપ સાથેના લગ્નના શરૂઆતના દિવસોમાં સ્પેનના મહારાણી લેટિઝિયા કોઇની સાથે લગ્નબાહ્ય સંબંધો ધરાવતા હતા તેવો એક ચોંકાવનારો ઘટસ્ફોટ એક પુસ્તકમાં થયો છે.

રાજા-રજવાડાંની ગલીઓમાંથી ક્યારેક આશ્ચર્ય પમાડે તેવા ગુપ્ત રહસ્યો બહાર નીકળતા હોય છે. સ્પેનનાં મહારાણી લેટિઝિયાની ગણના વિશ્વભરની સુંદરતમ રાણીઓમાં થાય છે. તેમના વિશે એક પુસ્તક લખાયું છે, ‘લેટિઝિયા અને હું.’ આ પુસ્તક લખનાર છે, રાણી લેટિઝિયાના બનેવી, જેમ ડેલ બર્ગો. આ જેમ ડેલ બર્ગોએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે સ્પેનના મહારાણી લેટિઝિયાએ પોતે સ્પેનના રાજા ફેલીપ સાથે લગ્ન કર્યા હોવા છતાં તેમની સાથે લગ્નેતર સંબંધો બાંધ્યા હતા.

સ્પેનના રાજઘરાણાં વિશે પત્રકાર જેઇમ પેન્યાફીલ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે, જેમાં 51 વર્ષીય રાણી લેટિઝિયાના બનેવી જેમ ડેલ બર્ગોએ તેમને જણાવ્યું હતું કે તેઓ અને લેટિઝિયા એકબીજાને પ્રેમ કરતા હતા અને લેટિઝિયાએ વર્ષ 2004માં ફેલીપ સાથે લગ્ન કર્યા બાદ પણ આ સંબંધ ચાલુ રહ્યો હતો. આવું નિવેદન આપનાર જેઈમ ડેલ બર્ગો જે હાલમાં યુ.કે.માં રહે છે, તેમણે 2012માં લેટિઝિયાના બહેન ટેલમા ઓર્ટીઝ સાથે લગ્ન કર્યા હતા.

પુસ્તકમાં ડેલ બર્ગોએ દાવો કર્યો છે કે રાણી લેટિઝિયા મેડ્રિડની અલ લેટિગાઝો રેસ્ટોરન્ટમાં તેમના લગ્નની આગલી રાત્રે બર્ગો પાસે પહોંચ્યા હતા અને તેમણે તેમનો હાથ પકડીને આરોપ લગાવ્યો હતો કે બર્ગોએ શા માટે ક્યારેય તેમને પ્રપોઝ ન કર્યું. “મને ક્યારેય છોડશો નહીં.” તેવું રાણી લેટિઝિયાએ ડેલ બર્ગોને કહ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે પોતાના દાવાને સાચો સાબિત કરવા ડેલ બર્ગોએ એક સેલ્ફી તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં સ્પેનના રાણીએ તેમને મોકલાવી હતી તેવું તેમનું કહેવું છે. રાણીએ આ સાથે જ કેપશનમાં લખ્યું હતું કે “મેં તમે આપેલી પશ્મીના પહેરી છે. આ પહેરીને એવી લાગણી થાય છે જાણે તમે આસપાસ જ છો. તે મારું ધ્યાન રાખે છે, મારું રક્ષણ કરે છે. આપણે ફરી મળીએ ત્યાં સુધીના કલાકોની હું ગણતરી કરું છું. તમને પ્રેમ.” વાઈરલ થયેલા ટવિટને બર્ગોએ ડિલીટ કરી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સ્પેનના રાજા ફેલિપ અને રાણી લેટીઝિયાને 2 પુત્રીઓ છે. તેમનો જન્મ 2005 અને 2007માં થયો હતો. કેટલાક સ્પેનિશ મીડિયા અહેવાલો મુજબ, સ્પેનની ગુપ્ત એજન્સી સીએનઆઇએ પાંચ વર્ષ સુધી જેમ ડેલ બર્ગો પર નજર રાખી હતી. કેટલાક અધિકારીઓએ તેના સ્વિત્ઝર્લેન્ડ સ્થિત ઘરમાં તપાસ પણ ચલાવી હતી. પરંતુ બર્ગોએ રાણી સાથેના તેના ફોટોગ્રાફ્સ, વીડિયો, ટેક્સ્ટ સંદેશા ધરાવતો મોબાઇલ એ બધું બેન્કના લોકરમાં મુકી દીધું હતું.

આ મામલે સ્પેનિશ રાજઘરાનાના અધિકારીઓએ કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button