પાકિસ્તાનના વજીરિસ્તાનમાં વિસ્ફોટઃ મૃતકની સંખ્યા વધીને નવ થઈ

પેશાવરઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ સમિતિના કાર્યાલયમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે, પોલીસે જણાવ્યું છે કે સમિતિના વડાનું મંગળવારે મોત થયું છે.
સોમવારે દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં શાંતિ સમિતિના કાર્યાલયમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ થતાં આઠ લોકો માર્યા ગયા હતા. બોમ્બ વિસ્ફોટમાં 30 અન્ય લોકો ઘાયલ થયા હતા. મંગળવારે વિસ્ફોટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્થાનિક શાંતિ સમિતિના વડા સૈફુર રહમાનનું મોત થયું હતું.
પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી શાંતિ સમિતિની ઓફિસની ઇમારત નાશ પામી હતી. કાટમાળ નીચે ઘણા લોકો દટાયા પણ હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાંતના મોહમંદ અને બાજૌર જિલ્લાઓ વચ્ચેના સરહદી બિંદુ પર ફ્રન્ટિયર કોર્પ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર સશસ્ત્ર માણસોએ ગોળીબાર કર્યો જેમાં ચાર સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. નવેમ્બર 2022માં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે યુદ્ધવિરામ કરાર તૂટી ગયા પછી પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે.