ઇન્ટરનેશનલ

દક્ષિણ કોરિયામાં મોટી ઉથલપાથલઃ કાર્યકારી રાષ્ટ્રપતિએ આપ્યું રાજીનામું

સિયોલઃ દક્ષિણ કોરિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડક-સૂએ આજે રાજીનામું આપવાની જાહેરાત કરીને ચર્ચા જગાવી હતી. દક્ષિણ કોરિયામાં આગામી ચૂંટણીઓ વચ્ચે તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. એવી ચર્ચા હતી કે તેઓ આવતા મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. હાનના ચૂંટણી લડવાના અહેવાલો વચ્ચે તેમના રાજીનામાથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

નોંધનીય છે કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ જેલમાં ગયા બાદ હાનને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે હાને એક ટેલિવિઝન નિવેદનમાં કહ્યું કે તેમણે દેશ માટે “એક મોટી જવાબદારી” નિભાવવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: અમેરિકા અને દક્ષિણ કોરિયાની સંયુક્ત લશ્કરી કવાયતથી ભડક્યું ઉત્તર કોરિયા, સમુદ્રમાં બેલિસ્ટિક મિસાઇલો છોડી…

હાનને અગાઉ તત્કાલીન રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલે દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ મહાભિયોગ દ્વારા યેઓલને પદ પરથી હટાવ્યા પછી તેમને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.

ગયા વર્ષે 3 ડિસેમ્બરે યુને માર્શલ લો લગાવ્યો હતો ત્યારથી ફેલાયેલી અરાજકતા પર મુખ્ય રૂઢિચુસ્ત પીપલ્સ પાવર પાર્ટીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી હાનને રાષ્ટ્રપતિપદ માટે પાર્ટીના ટોચના દાવેદાર તરીકે જોવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button