તેલ અવીવમાં પ્રદર્શન, ‘Netanyahu’ સરકારને હટાવવા અને બંધકોની મુક્તિ માટે માંગ
તેલ અવીવ: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધમાં બંને પક્ષોના લગભગ 23 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગના પેલેસ્ટિનિયન નાગરિકો છે. ગાઝાના સશસ્ત્ર સંગઠન હમાસે ઘણા ઈઝરાયેલી નાગરિકોને બંધક બનાવીને રાખ્યા છે, તેમની મુક્તિ માટે ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સાથે બંધકોના સંબંધીઓએ નેતન્યાહુ સરકારને હટાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે તેમની માંગ છે કે ગાઝામાં યુદ્ધ ખતમ કરવામાં આવે. અહેવાલો મુજબ 100 થી ઈઝરાયલી નાગરીકો હમાસની ચુંગાલમાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે ઇઝરાયેલના મુખ્ય શહેર તેલ અવીવના હોસ્ટેજ સ્ક્વેરમાં ઇઝરાયેલી બંધકોના હજારો સંબંધીઓ અને અન્ય નાગરીકોએ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન દેખાવકારોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ ‘બુશાહા, બુશાહા, બુશાહા’ના નારા લગાવ્યા, જેનો સ્થાનિક ભાષામાં અર્થ થાય છે ‘શરમ, શરમ, શરમ’. વિદેશી મીડિયા તેને સરકાર સામે લોકોનો રોષ ગણાવી રહ્યું છે. લોકોએ આ યુદ્ધ માટે નેતન્યાહુ અને અન્ય અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હુમલામાં 22 પેલેસ્ટાઈનના મોત થયા છે. 7 ઓક્ટોબરથી ઇઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 22,722 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 58,166 ઘાયલ થયા છે, મૃતકોમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ છે. બીજી તરફ હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 1,139 ઇઝરાયેલ લોકોના મોત થયા છે.
7 ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલા અંગે હમાસ પ્રવક્તાએ કહ્યું હતું કે આ ઇઝરાયેલ દ્વારા જેરૂસલેમની અલ-અક્સા મસ્જિદની અપવિત્રતાનો બદલો છે. હમાસે કહ્યું કે ઇઝરાયલી પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંકીને તેની અપવિત્ર કરી હતી. ઇઝરાયેલની સેના સતત હુમલા કરી રહી છે અને પેલેસ્ટાઇનના સ્થાનો પર અતિક્રમણ કરી રહી છે.
ઈઝરાયેલની સેના અમારી મહિલાઓ પર હુમલો કરી રહી છે. હમાસના પ્રવક્તા ગાઝી હમાદે આરબ દેશોને ઇઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપીલ કરી છે. હમાદે કહ્યું કે ઈઝરાયેલ ક્યારેય સારો પાડોશી અને શાંતિપ્રિય દેશ ન બની શકે.