પાકિસ્તાનમાં આસમાની આફતઃ મૃત્યુઆંક 63 પહોંચ્યો
પેશાવરઃ પાકિસ્તાનમાં વીજળી અને ભારે વરસાદને કારણે 14 લોકોનાં મોત થયા છે. છેલ્લા ચાર દિવસથી સતત ખરાબ હવામાનને કારણે ઓછામાં ઓછા 63 લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રવક્તા ખુર્શીદ અનવરે જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં સ્થિત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયા છે. પ્રાંતમાં મકાન ધરાશાયી થવાથી 15 બાળકો અને પાંચ મહિલાઓ સહિત 32 લોકોના મોત થયા હતા.
અનવરે કહ્યું હતું કે ઉત્તર-પશ્ચિમમાં ડઝનેક લોકો ઘાયલ થયા છે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વીજળી પડવાની ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે બલૂચિસ્તાનમાં 10 લોકોના મોત થયા છે.
બલુચિસ્તાનમાં બુધવારે અચાનક પૂર આવ્યા બાદ અધિકારીઓએ ઇમરજન્સી જાહેર કરી છે, જોકે વરસાદનો ખતરો હજુ પણ યથાવત છે. પાકિસ્તાનના હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારી ઝહીર અહમદ બાબરે કહ્યું હતું કે ક્લાઇમેન્ટ ચેન્જના કારણે એપ્રિલ મહિનામાં પાકિસ્તાનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.