સિંગાપોરની પૂજા નેન્સી અને ઇવાન હેંગને ફ્રાન્સનો નાઇટહુડ એનાયત
સિંગાપોરઃ સિંગાપોર અને ફ્રાન્સ વચ્ચેની ‘સાંસ્કૃતિક સહકાર પર નોંધપાત્ર અસર’ની ઉજવણી કરવા માટે ફ્રાન્સના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ભારતીય મૂળની લેખિકા પૂજા નેન્સી (Pooja Nancy) અને ચીની-એથનિક થિયેટર ડિરેક્ટર ઇવાન હેંગને (Ivan Heng) નાઇટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ એનાયત કરવામાં આવ્યો હતો.
મીડિયાના અહેવાલ અનુસાર સિંગાપોરમાં ફ્રાન્સના રાજદૂત મિન્હ-ડી તાંગે ગુરૂવારે સાંજે સિંગાપોરના સંસ્કૃતિ, સમુદાય અને યુવા પ્રધાન એડવિન ટોંગની હાજરીમાં નેન્સી અને હેંગને રેસિડેન્સ ઓફ ફ્રાન્સ ખાતે પ્રતિષ્ઠિત પદવી અર્પણ કરી હતી.
શેવેલિયર ડી એલઓર્ડે ડેસ આર્ટસ એટ ડેસ લેટર્સ(નાઇટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ આટર્સ એન્ડ લેટર્સ)એ ફ્રાન્સના સાંસ્કૃતિ મંત્રાલય દ્વારા સ્થાપિત ફ્રાન્સના ઓર્ડરની સર્વોચ્ય ગુણવત્તા છે.
તે કલા, સાહિત્ય અથવા તો આ ક્ષેત્રોના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારને એનાયત કરવામાં આવે છે. સભ્યપદ માત્ર ફ્રેન્ચ નાગરિકો સુધી મર્યાદિત નથી, અસંખ્ય વિદેશી વિદ્વાનોએ પણ આ સન્માન મેળવ્યું છે.
નેન્સી સિંગાપોર રાઇટર્સ ફેસ્ટિવલના ભૂતપૂર્વ ડિરેક્ટર હતા. તેણીના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન તેણીએ ફોક્સ ફ્રાન્સ સેગમેન્ટની સફળતામાં ‘સહાયક’ તરીકે ભૂમિકા ભજવી હતી. જેમાં ૨૦૧૯ થી ૨૦૨૨ સુધી લગભગ ૨૦ ફ્રેન્ચ અને ફ્રેન્કોફોન લેખકો હતા.
પીઢ નાટ્યકાર હેંગની સિંગાપોરમાં ફ્રેન્ચ થિયેટરને પ્રોત્સાહન આપવામાં ‘મુખ્ય ભૂમિકા’ ભજવવા બદલ ફ્રાન્સના દૂતાવાસ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. નોંધપાત્ર પ્રોડક્શન્સમાં ‘લા કાફે ઓક્સ ફોલ્સ'(૨૦૧૭) અને ‘ટાર્ટફ'(૨૦૨૨)નો સમાવેશ થાય છે.