સિંગાપોરમાં ભારતીય મૂળની વ્યક્તિને મહિલાઓની અંગત તસવીરો ચોરવા બદલ જેલની સજા
સિંગાપોરઃ સિંગાપોર એરફોર્સમાં નોકરી કરતા ભારતીય મૂળના પુરૂષને મહિલાઓની અંગત તસ્વીરો મેળવવા માટે તેમના સોશિયલ મીડિયા લોગિન વિગતો ચોરવાના આરોપસર ૧૧ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મીડિયાના અહેવાલ અનુસાર આરોપી ૨૬ વર્ષીય કે ઇશ્વરનને કમ્પ્યુટર દુરુપયોગ કાયદા હેઠળ ૧૦ આરોપો માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેમજ સજા માટે અન્ય ૨૧ આરોપો પર વિચારણા કરવામાં આવી હતી. ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં તેણે ૨૨ પીડિતોને તેમના સોશિયલ મીડિયા ક્લાઉડ સર્વર અને ઇમેઇલ એકાઉન્ટ્સ માટે લોગિન ક્રિડેન્શલ્સ મેળવવા માટે ફિશિંગ લિંકસ મોકલી હતી.
આ પણ વાંચો: પોલીસના સ્વાંગમાં વૃદ્ધાના દાગીના પડાવી બે આરોપી ફરાર
ફરિયાદીઓના જણાવ્યા મુજબ ઇશ્વરન એવી મહિલાઓને નિશાન બનાવતો હતો કે જેમને તે જાહેર જીવનમાં જાણતો હતો અથવા તો એવી મહિલાઓ કે જેમની અંગત તસ્વીરો એડલ્ટ ફોરમ પર પોસ્ટ કરવામાં આવી હતી.
બચાવ પક્ષના વકીલ મર્વિન ટેને જણાવ્યું હતું કે ઇશ્વરન પ્રથમ વખતનો ગુનેગાર હતો. તેનો ગુનો મશ્કરીભરી વર્તણૂંક હતી, જે કદાચ દુષ્ટ હેતુવાળી પણ હોઇ શકે. તેણે કોર્ટને જણાવ્યું કે ઇશ્વરન રિબપબ્લિક ઓફ સિંગાપોર એરફોર્સમાં એન્જિનિયર તરીકે નિયમિત ફરજ બજાવતો હતો.
ફરિયાદ પક્ષે અગિયારથી ૧૬ મહિનાની જેલની માંગ કરી હતી. ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર જોશુઆ ફાંગે દલીલ કરી હતી કે ઇશ્વરનના ગુનાઓ પૂર્વયોજિત અને અત્યાધુનિક હતા. ન્યાયધીશે મુલતવી રાખવાની તેમની વિનંતીને મંજૂર કર્યા પછી ઇશ્વરન ૧૯ જૂનથી સજા ભોગવવાનું શરૂ કરશે.