કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો: થિયેટર પર ગોળીબાર અને આગચંપી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો: થિયેટર પર ગોળીબાર અને આગચંપી

ઓકવિલ: કેનેડાના ભારતીયો વિરુદ્ધ ખાલિસ્તાનીઓ દ્વારા ઝેર ઓંકવામાં અનેક બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે ઓકવિલ શહેરમાં આવેલ એક થિયેટરને નિશાન બનાવીને ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ થતું હોવાથી આ હુમલા કરવામાં આવ્યા હોવાની આશંકા છે. સુરક્ષાના કારણોસર હાલ થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું છે.

આગચંપી અને ગોળીબારની બે ઘટના

મળતી વિગતો અનુસાર, Film.Ca Cinemas નામના આ થિયેટર પર છેલ્લા કેટલાક દિવસોમાં હિંસક હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. પ્રથમ હુમલો ૨૫ સપ્ટેમ્બરના રોજ રાત્રે લગભગ ૧:૫૦ વાગ્યે, એક શંકાસ્પદ વ્યક્તિએ થિયેટરના પ્રવેશદ્વાર પર ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરનું શરીર ભારે હતું અને તેણે કાળા કપડાં તેમજ માસ્ક પહેર્યો હતો.

બીજો હુમલો ૩ ઓક્ટોબરની સવારે લગભગ ૫:૨૦ વાગ્યે, બે શંકાસ્પદ વ્યક્તિઓએ થિયેટરના ગેટ પર પેટ્રોલ છાંટીને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ લાલ ગેસ કેન લઈને આવ્યા હતા અને બહારથી આગ લગાડી દીધી હતી. જોકે, સદનસીબે આગ અંદર સુધી ફેલાઈ ન હતી અને સમયસર કાબૂમાં આવી જતાં મોટી જાનહાનિ ટળી હતી.

ખાલિસ્તાની લિંક અને પોલીસ તપાસ

પોલીસના જણાવ્યા અનુસાર, બીજા હુમલામાં બંને શંકાસ્પદોએ કાળા કપડાં અને માસ્ક પહેર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરો ગ્રે એસયુવી (SUV) અને વ્હાઇટ એસયુવી (SUV) માં આવ્યા હોવાનું અને હુમલો કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બંને હુમલાઓને લક્ષિત હુમલા ગણાવવામાં આવ્યા છે અને તેનો સીધો સંબંધ ભારતીય ફિલ્મોના પ્રદર્શન સાથે હોવાનું માનવામાં આવે છે. આ હુમલા પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

થિયેટરનું નિવેદન

આ ઘટનાઓને પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. થિયેટરના સીઈઓ જેફ નૉલે કહ્યું હતું કે, “કોઈએ માત્ર એટલા માટે થિયેટર સળગાવવાનો પ્રયાસ કર્યો કારણ કે અમે દક્ષિણ એશિયન એટલે કે ભારતીય ફિલ્મો બતાવી રહ્યા હતા. અમે નથી ઝૂકવા માંગતા, પરંતુ અમારા સ્ટાફ અને દર્શકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, થિયેટરે સાવચેતીના ભાગરૂપે બે ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ હાલમાં રોકી દીધું છે. હેલ્ટન પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો…કેનેડામાં ભારતીય દૂતાવાસનો ઘેરાવ થશે! ખાલિસ્તાની સંગઠન SFJએ આપી ખુલ્લી ધમકી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button