શોકિંગઃ કેનેડામાં એક વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને છ લોકોની કરી હત્યા
ટોરોન્ટોઃ કેનેડાની રાજધાની ઓટાવામાં ચાકુ મારવાની એક ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. અહીં એક ઘરમાં વિદ્યાર્થીએ ચાકુ વડે હુમલો કરીને છ લોકોની હત્યા કરી હતી. ઓટાવા પોલીસે જણાવ્યું હતું કે શ્રી લંકાના ૧૯ વર્ષીય વિદ્યાર્થી પર તેની સાથે રહેતા શ્રી લંકાના એક જ પરિવારના ચાર બાળક સહિત છ લોકોની ચાકુ મારીને હત્યા કરવાનો આરોપ છે.
ઓટાવા પોલીસ ચીફ એરિક સ્ટબ્સે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ દ્વારા ધારવાળા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેની ઓળખ ફેબ્રિસીયો ડી-ઝોયસા તરીકે કરવામાં આવી હતી. તેના પર હત્યાનો આરોપ છે. સ્ટબ્સે જણાવ્યું હતું કે મૃતકો શ્રીલંકાના નાગરિક હતા. જેઓ તાજેતરમાં કેનેડા આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમાં ૩૫ વર્ષની માતા, ૭ વર્ષનો પુત્ર, ૪ વર્ષની પુત્રી, ૨ વર્ષની પુત્રી અને ૨ ૧/૨ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.
પોલીસ વડાએ જણાવ્યું કે જ્યારે અધિકારી ઘરે પહોંચ્યા ત્યારે પરિવારનો એક વ્યક્તિ બહાર હતો અને કોઇને ૯૧૧ પર કોલ કરવા માટે બૂમો પાડી રહ્યો હતો. પોલીસને રાત્રે ૧૦-૫૨ વાગ્યે બે ઇમરજન્સી કોલ આવ્યા હતા. વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ છે. ઓટાવામાં શ્રી લંકાના હાઇ કમિશને પુષ્ટિ કરી કે પીડિત લોકો શ્રીલંકાના નાગરિકોના પરિવારો હતા. તે વ્યક્તિ બચી ગયો હતો, પરંતુ તેની પત્ની અને બાળકો મૃત્યુ પામ્યા હતા.
શ્રીલંકાના હાઇ કમિશને કહ્યું કે તેઓ દેશની રાજધાની કોલંબોમાં સંબંધિઓના સંપર્કમાં છે. આરોપીને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ઘટના પર વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ભયંકર હિંસા પર અમારી પ્રથમ પ્રતિક્રિયા આઘાતજનક છે. ઓટાવાના મેયર માર્ક સટક્લિફે આ સમાચારને શહેરના તમામ રહેવાસીઓ માટે દુઃખદ ગણાવ્યા છે.