આ ક્રિકેટર હનીમૂન માટે ગયો, પણ ટ્રોલ થયો
લગ્ન બાદ હનીમૂન પર જવાનું સ્વાભાવિક છે અને દરેક કપલનો હક છે. આજકાલ કપલ જ્યાં પણ ફરવા જાય ત્યાંના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવાનું ચૂકતા નથી. સેલિબ્રિટીઓ પણ પોતાની નાનકડી ટ્રીપના ફોટો, સેલ્ફી મૂકીને કમાણી પણ કરે છે. જોકે પાકિસ્તાનના એક સેલિબ્રિટી ક્રિકેટર (celebrity cricketer) ને આમ કરવાનું ભારે પડી ગયું છે. આનું કારણ એ ક્રિકેટર પોતે જ છે. વાત કરી રહ્યા છે શોએબ મલિકની (Shoab Malik). શોએબે જાન્યુઆરી મહિનામાં સૌને ચોંકાવી દીધા હતા. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) સાથે છેડો ફાડી શોએબે સના જાવેદ (Sana Javed) નામની પાકિસ્તાની અભિનેત્રી સાથે લગ્ન કર્યા. તેણે જ્યારે આ સંબંધ જાહેર કર્યો ત્યારે પણ લોકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો. ભારત અને પાકિસ્તાનના પ્રેમનું પ્રતીક એવા આ લગ્ન તૂટતા ફેન્સના દિલ તૂટી ગયા હતા. આ લગ્ન તૂટવાનું કારણ શોએબનો સના સાથેનો અફેર માનવામાં આવતો હતો. તેમણે નિકાહ પઢી લીધા હતા.
લગ્નના ચાર મહિના બાદ બન્ને હનીમૂન પર ન્યૂયોર્ક સિટીમાં જોવા મળ્યા હતા. તેમણે પોતાના ફોટા શેર કર્યા તો લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. અમુકે સના માટે એમ લખ્યું કે કોઈનું ઘર તોડી પોતાનું વસાવતા શરમ ન આવી તો કોઈએ શોએબને સાનિયાને છોડવા માટે ટ્રોલ કર્યો.
શોએબના પહેલા લગ્ન આયેશા સિદ્દીકી નામની મહિલા સાથે થયા હતા. સાનિયા સાથેના લગ્નની વાત વચ્ચે તેની પહેલી પત્નીએ ભારે હોબાળો કર્યો હતો. શોએબે તેને છુટ્ટાછેડા આપી સાનિયા સાથે લગ્ન કર્યો અને બન્નેને એક પુત્ર પણ છે. જાન્યુઆરી, 2024માં શોએબે સના સાથે લગ્ન કર્યા. એપ્રિલમાં બન્નેએ પહેલી ઈદના ફોટા શેર કર્યા ત્યારે પણ તેઓ ટ્રોલ થયા હતા.
આમ તો લગ્ન વ્યક્તિગત વિષય હોય છે, પરંતુ સેલિબ્રિટી સાથે ફેન્સનું ઈમોશનલ કનેક્શન હોય છે. ભારત પાકિસ્તાનના આટલા વણસેલા સંબંધો વચ્ચે પણ શોએબ-સાનિયાના લગ્ન થયા હતા આથી ફેન્સ તેની સાથે તે રીતે જોડાયેલા હતા. આથી તેમના સંબંધોમાં આવેલી તિરડ માત્ર સાનિયા માટે નહીં ફેન્સ માટે પણ ઈમોશનલ ઈશ્યુ છે. આથી શોએબ-સનાના સંબંધો ટીકાનો ભોગ બની રહ્યા છે.