થાઇલેન્ડ મલેશિયા નજીક હિંદ મહાસાગરમાં 300 લોકો સાથેનું જહાજ ડૂબ્યું, એકનું મોત અનેક લાપતા

કુઆલાલંપુર: થાઇલેન્ડ અને મલેશિયાની સરહદ નજીક હિંદ મહાસાગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મ્યાનમારથી લગભગ 300 લોકોને લઈ જતું જહાજ ડૂબ્યું હતું. જેમાંથી અત્યાર સુધી માત્ર 10 લોકોને બચાવવામાં આવ્યા છે. જયારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ બીજા લોકો ગુમ છે જેમની શોધખોળ ચાલી રહી છે.
બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો
આ દુર્ઘટનાની જાણ થતા જ બચાવ ટીમો સ્થળ પર પહોંચી હતી. જોકે, જહાજ ડૂબવાનું સ્થળ તાત્કાલિક જાણી શકાયું ન હતું જેના લીધે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. મલેશિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે જહાજ થાઈલેન્ડની જળસીમાં પલટી ગયું હોવાની શક્યતા છે. તેમણે ચેતવણી આપી હતી કે ખતરનાક દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરીને સ્થળાંતર કરનારાઓનું શોષણ કરવામાં સરહદ પારની ગેંગ વધુને વધુ સક્રિય બની રહી છે.
આ પણ વાંચો: યમન પાસે LPG જહાજમાં વિસ્ફોટ: 23 ભારતીયને બચાવ્યાં, રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ
બચાવાયેલા લોકોમાં કેટલાક રોહિંગ્યા મુસ્લિમો
આ અંગે પોલીસે આપેલી માહિતી મુજબ બચાવાયેલામાં રોહિંગ્યા મુસ્લિમો હતા. જેઓ મુખ્યત્વે મ્યાનમારમાં રહે છે જ્યાં તેઓ દાયકાઓથી અત્યાચારનો સામનો કરી રહ્યા છે. મલેશિયન મેરીટાઇમ એન્ફોર્સમેન્ટ એજન્સીના ફર્સ્ટ એડમિરલ રોમલી મુસ્તફાએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જહાજ મ્યાનમારના રાખાઇન રાજ્યના બુથિડાંગ શહેરથી નીકળી હતી અને ત્રણ દિવસ પહેલા ડૂબી ગયું હતું.
મલેશિયાના ઉત્તરીય રિસોર્ટ ટાપુ લેંગકાવીના પાણીમાં ઘણા બચી ગયેલા લોકો મળી આવ્યા બાદ એજન્સીએ શનિવારે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે કહ્યું કે મ્યાનમારની એક મહિલાનો મૃતદેહ સમુદ્રમાં તરતો મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે ઘટનાસ્થળેથી ઓછામાં ઓછા 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.



