શાહિદ આફ્રિદી ફરી ઝેર ઓક્યું, ભારતીય સેનાને ‘નાલાયક’ અને ‘નકામી’ કહી

દુબઈ: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (Pahalgam Attack) રહ્યો છે. ભારત સરકારે દાવો કર્યો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓ જવાબદાર છે, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરુ કરી છે, ટૂંક સમયમાં લશકરી કાર્યવાહી થવાની પણ શક્યતા છે. બીજી તરફ પાકિસ્તાન સરકારે તમામ આરોપો નકારી કાઢ્યા છે, એવામાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શાહિદ આફ્રિદી(Shahid Afridi)એ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક પોડકાસ્ટ દરમિયાન આફ્રિદીએ ઇન્ડીયન આર્મીને ‘નાલાયક’ અને ‘નકામી’ કહીં હતી.
દુબઈમાં મીડિયા સાથે વાત કરતી વખતે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ પહેલગાઆતંકવાદી હુમલા પાછળ ભારતીય સેનાની સુરક્ષામાં ખામીને જવાબદાર ઠેરવી હતી. આફ્રિદીએ કહ્યું કે ભારતે દાવો કરતા પહેલા પુરાવા આપવા જોઈએ. જો કાશ્મીરમાં એક પણ ફટાકડો પણ ફૂટે તો તેનો દોષ પાકિસ્તાન પર ઢોળવામાં આવે છે. દુનિયાનો કોઈ પણ ધર્મ આતંકવાદને સમર્થન આપતો નથી. અમે પણ નિર્દોષ લોકોના જીવન વિશે ચિંતિત છીએ.
આફ્રિદીએ પુરાવા માંગ્યા:
શાહિદ આફ્રિદીએ કહ્યું, ‘આ અત્યંત નિરાશાજનક છે કે ભારતે ફરી એકવાર કોઈ પુરાવા વિના પાકિસ્તાન પર દોષારોપણ કર્યું છે. આવી કાર્યવાહીને કારણે પ્રદેશમાં શાંતિના પ્રયાસોને નુકશાન પહોંચે છે. આફ્રિદીએ કહ્યું કે દોષારોપણની રમત રમવાને બદલે, ભારતે વાતચીતમાં ભાગ લઈને મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ અને ક્રિકેટને રાજકારણથી દૂર રાખવું જોઈએ. રમતગમત, ખાસ કરીને ક્રિકેટ, કોઈપણ રાજકીય હસ્તક્ષેપથી મુક્ત હોવી જોઈએ.’
આફ્રિદીએ એમ પણ કહ્યું, ‘મારું માનવું છે કે વ્યક્તિ ગમે તે ધર્મનો હોય, કોઈ પણ આતંકવાદનું સમર્થન કરતું નથી. ત્યાં (પહલગામ) જે બન્યું તે અફસોસની વાત છે. પાકિસ્તાનમાં આવું થતું રહ્યું છે, આ ખૂબ જ દુઃખદ છે, આવી ઘટનાઓ ન બનવી જોઈએ. પડોશી દેશોએ એકબીજા સાથે સારા સંબંધો રાખવા જોઈએ. લડાઈનું કોઈ પરિણામ નથી આવતું.’
આપણ વાંચો: પાકિસ્તાનમાં ફફડાટઃ પીઓકેમાં કટોકટી, ડોક્ટર્સ – પેરામેડિકલ સ્ટાફની રજા રદ્દ
ભારતીય સેના પર આરોપ લગાવ્યો:
આફ્રિદીએ ભારતીય આર્મી પર આરોપ લગાવતા કહ્યું કે કાશ્મીરમાં તમારી પાસે 8,00,000થી વધુ જવાનો છે, તો પણ આ ઘટના બની. એનો મતલબ છે તમે કેટલા નાલાયક છો તમે. તમે કેટલા નકામા છો, લોકોને સુરક્ષા પૂરી નથી પાડી શકતા.
આફ્રિદીએ આ ઘટના અંગે ભારતીય મીડિયાના કવરરેજની પણ આકરી ટીકા કરી હતી. તેને કહ્યું “એ જોઈને આશ્ચર્ય થાય છે કે હુમલાના એક કલાકમાં, તેમનું મીડિયા બોલિવૂડમાં ફેરવાઈ ગયું. ભગવાનની ખાતર, બધી ઘટનાને બોલિવૂડ ન બનાવો. હું જોઈ રહ્યો હતો, હું કહી રહ્યો હતો કે, તેમના વિચાર જુઓ, અને આ લોકો પોતાને શિક્ષિત લોકો કહે છે.”