‘નોબેલ પુરસ્કાર’ની ભલામણ બાદ ફરી શહબાઝ શરીફની ટ્રમ્પ ભક્તિએ પાકિસ્તાનની આબરૂ ઉતારી;પૂર્વ રાજદૂતનો તીખો કટાક્ષ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભરપૂર પ્રશંસા કરીને ચર્ચામાં આવ્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ ટ્રમ્પની ગુડ બુક્સમાં આવવાના પ્રયાસરૂપે, શહબાઝ શરીફે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે કરાવવામાં આવેલા સીઝફાયરમાં ટ્રમ્પની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ સોશિયલ મીડિયા પર તેમના વખાણ કર્યા હતા. જોકે, શહબાઝની આ પોસ્ટ પર સંયુક્ત રાજ્ય અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ તીખો કટાક્ષ કર્યો હતો.
શહબાઝે તેમની પોસ્ટમાં ટ્રમ્પના પ્રયાસોને બિરદાવતા લખ્યું હતું કે, “થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેના KS કરાર, ગાઝા શાંતિ યોજના દ્વારા શાંતિને આગળ વધારવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા અને મધ્ય પૂર્વ તથા દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટેના તેમના દૃઢ પ્રયાસો માટે હું પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દિલથી પ્રશંસા કરું છું, જેનાથી વિશ્વભરમાં લાખો લોકોના જીવ બચી રહ્યા છે.”
‘ટ્રમ્પની ચાપલૂસીનો ઓલિમ્પિક ખેલ’
શહબાઝ શરીફની આ પોસ્ટને રિશેર કરતા પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ કટાક્ષ કર્યો હતો કે પાકિસ્તાની વડા પ્રધાન હજુ પણ એવા મામલામાં આગળ ચાલી રહ્યા છે, જેને ભારતીય અમેરિકી પત્રકાર ફરીદ ઝકરિયાએ “ટ્રમ્પની ચાપલૂસીનો ઓલિમ્પિક ખેલ” ગણાવ્યો હતો. હક્કાનીની આ પોસ્ટને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ રીપોસ્ટ કરી હતી. તાજેતરના દિવસોમાં શહબાઝ શરીફ ઘણીવાર ટ્રમ્પની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. અગાઉ, ઇજિપ્તમાં યોજાયેલા ગાઝા શિખર શાંતિ સંમેલનમાં પણ તેમણે ટ્રમ્પને ‘શાંતિ પુરુષ’ ગણાવ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાને ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે.
સોશિયલ મીડિયામાં મજાક
શહબાઝ શરીફના અતિશય વખાણથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખુશ દેખાયા હતા. મિસર સંમેલનમાં પાકિસ્તાની વડા પ્રધાને પોતાનું ભાષણ પૂર્ણ કર્યા બાદ ટ્રમ્પે મજાકમાં કહ્યું હતું કે “હવે એવું લાગે છે કે આપણે ઘરે જઈ શકીએ છીએ.” જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે શહબાઝ શરીફની આ ચાપલૂસીની ખૂબ મજાક ઉડાવી હતી. અનેક યુઝર્સે ટીકા કરતા કહ્યું હતું કે અમેરિકી પ્રમુખની વધુ પડતી પ્રશંસા કરીને શહબાઝ શરીફે પાકિસ્તાનની મજાક ઉડાવી છે. એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ટ્રમ્પની પ્રશંસા કરવાની કોઈ ઓલિમ્પિક સ્પર્ધા યોજાય, તો પાકિસ્તાનના વડા પ્રધાન તેમાં પ્રથમ આવે.
આ પણ વાંચો…ભારતીય વાયુસેનાના વડાએ શહબાઝ શરીફ પર કટાક્ષ કર્યો, કહ્યું તેમને મનોહર કહાનીઓ સંભળાવવા દો



