ખાલિસ્તાનીઓનું થઇ ગયુ ટાંય ટાંય ફીસ
કેનેડામાં જનમત નિષ્ફળ ગયો, 2000 લોકો પણ ભેગા થયા નહીં
ઓટાવાઃ મળતા અહેવાલ મુજબ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા ભારત વિરોધી જનમતને સત્તાવાર રીતે નિષ્ફળ જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે તે જ સરે ગુરુદ્વારામાં ભારે પોલીસ તૈનાતી વચ્ચે ભારત વિરોધી જનમત આયોજિત કરવામાં આવ્યો હતો. આ એ જ જગ્યા છે, જ્યાં જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ઠાર કરવામાં આવ્યો હતો.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ નિજ્જરની હત્યા પર ભારતની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. ભારત સરકારે ખાલિસ્તાની આતંકવાદીના મૃત્યુ અંગેના આરોપોને ભારપૂર્વક નકારી કાઢ્યા હતા અને કેનેડાની સરકારને પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું અને બાદમાં કેનેડાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હતી.
સરેમાં તાજેતરમાં લેવામાં આવેલા જનમત સંગ્રહ કાર્યક્રમમાં બે હજાર લોકોએ પણ ભાગ લીધો નહોતો. સરેમાં ખાલિસ્તાનવાદીઓની ચળવળને નકારાત્મક પ્રતિસાદ મળતા તેમનું ટાંય ટાંય ફીસ થઇ ગયું છે.
‘શીખ ફોર જસ્ટિસ’ જેવા અલગતાવાદી સંગઠનો કેનેડામાં આવા ‘ખાલિસ્તાન તરફી લોકમત’નું આયોજન કરતા હોય છે. ભારત આ મામલે લાંબા સમયથી કેનેડાની સરકાર પર તેમના દેશમાં સ્થિત વ્યક્તિઓ અને જૂથો દ્વારા ભારત વિરોધી ગતિવિધિઓને રોકવા દબાણ કરી રહ્યું છે, જેમને ભારતીય કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યા છે.