ઇન્ટરનેશનલ

OpenAIના બોર્ડે હકાલપટ્ટી કરતા સેમ ઓલ્ટમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા

ChatGPTની શોધ વડે IT જગતમાં ક્રાંતિ લાવનારા ઉદ્યોગ સાહસિક સેમ ઓલ્ટમેનની તેની જ કંપની OpenAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે હકાલપટ્ટી કરી હતી. આ પછી એવા અહેવાલો સામે આવ્યા હતા કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ અંગે પુન: વિચારણા કરી રહ્યા છે અને કદાચ સેમ ઓલ્ટમેનને પાછો બોલાવી લેવાશે, પરંતુ હવે એ સ્પષ્ટ થયું છે કે સેમ ઓલ્ટમેન CEO પદે પાછા ફરી રહ્યા નથી. રવિવારે OpenAIના અધ્યક્ષ ગ્રેગ બોકમેને પણ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. સેમ અને OpenAIના અધ્યક્ષ ગ્રેગ બોકમેન બંને હવે માઇક્રોસોફ્ટ માટે કામ કરશે. માઇક્રોસોફ્ટના CEO સત્યા નાડેલાએ આ અંગે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ શેર કરી હતી.

સત્ય નડેલાએ પોસ્ટમાં કહ્યું- “અમે OpenAI સાથે અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. અમે એમ્મેટ શિયર અને OpenAIની નવી ટીમ સાથે કામ કરવા આતુર છીએ, અમે એ સમાચાર પણ જણાવવા માટે ઉત્સાહિત છીએ કે સેમ અને ગ્રેગ નવી અદ્યતન AI સંશોધન ટીમનું નેતૃત્વ કરવા માટે Microsoftમાં જોડાશે.” નોંધનીય છે કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બોકમેનને માઇક્રોસોફ્ટમાં લેવા એ એક રીતે સત્યા નાડેલાનો માસ્ટરસ્ટ્રોક ગણાય, કારણકે માઇક્રોસોફ્ટ બંનેની પ્રતિભાનો ઉપયોગ કરી ChatGPT જેવા અનેક સંશોધનો કરી શકશે, ઉપરાંત માઇક્રોસોફ્ટ પોતે OpenAIનું સૌથી મોટું રોકાણકાર પણ છે. માઇક્રોસોફ્ટ સહિત ઇલોન મસ્કે પણ OpenAIમાં રોકાણ કર્યું છે.

ટેક ઇન્ડસ્ટ્રીમાં જનરેટીવ AIના સંશોધન વડે ખળભળાટ મચાવનાર સેમ ઓલ્ટમેનને OpenAIના બોર્ડના સભ્યોએ ‘ક્ષમતા પર વિશ્વાસ ન હોવાનું જણાવી’ પાણીચું પકડાવી દીધું હતું. ઓલ્ટમેનને કાઢવાના નિર્ણયથી કંપનીના કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળી હતી તેમજ કંપનીના શેરમાં પણ ઉથલપાથલની સ્થિત જોવા મળી હતી. હવે સેમની જગ્યાએ એમેટ શીયર OpenAIના વચગાળાના CEO તરીકે કાર્ય કરશે. એમ્મેટ શિયર વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચના સહ-સ્થાપક છે. પહેલા ભારતીય મૂળના મીરા મુરાતીને આ જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ રાતોરાત આ નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button