ઇન્ટરનેશનલ

યુક્રેનની રાજધાની કિવ પર રશિયાએ 69 મિસાઇલથી કર્યો ઘાતક હુમલો, 12 જણનાં મોત

કિવઃ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ અને દેશના અન્ય ક્ષેત્રો પર ડ્રોન અને મિસાઇલોથી મોટો હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આજે સવારે આ માહિતી આપી હતી. યુક્રેનના એરફોર્સના પ્રવક્તા યુરી ઇગ્નાટના જણાવ્યા અનુસાર, રશિયાએ યુક્રેન પર કુલ 367 ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા. ત્રણ વર્ષથી વધુ ચાલેલા યુદ્ધમાં આ સૌથી મોટો હુમલો હતો.

યુરી ઇગ્નાટે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે રશિયાએ વિવિધ પ્રકારની 69 મિસાઇલો અને 298 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાં ઈરાને ડિઝાઇન કરેલા શાહિદ ડ્રોનનો પણ સમાવેશ થાય છે. ઇગ્નાટે કહ્યું હતું કે 2022માં યુદ્ધ શરૂ થયા પછી યુક્રેનમાં આ સૌથી મોટો હવાઈ હુમલો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયન મિસાઇલો અને ડ્રોન દ્વારા 30થી વધુ યુક્રેનિયન શહેરો અને ગામડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કિવમાં ભારતીય દવા કંપનીના વેરહાઉસ પર મિસાઇલ હુમલો; યુક્રેનના આરોપ પર રશિયાની પ્રતિક્રિયા

યુક્રેનના ગૃહમંત્રી ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે આ હુમલામાં 12 લોકો માર્યા ગયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. કિવના લશ્કરી વહીવટના વડા તૈમુર તકાચેન્કોએ જણાવ્યું હતું કે કેટલાક ડ્રોન પહેલાથી જ નાશ પામ્યા છે, પરંતુ નવા હજુ પણ કિવમાં પ્રવેશી રહ્યા છે.

યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રશિયાએ કુલ 367 ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, જેમાં 298 ડ્રોન અને 69 મિસાઇલોનો સમાવેશ થાય છે. યુક્રેન 266 ડ્રોન અને 45 મિસાઇલોને તોડી પાડવામાં સફળ રહ્યું હતું. કિવ ઉપરાંત, ખાર્કિવ, માયકોલાઈવ અને ટેર્નોપિલ જેવા અન્ય ઘણા શહેરોને પણ નુકસાન થયું હતું.

આ પણ વાંચો: યુક્રેનનો પુતિન પર ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ: રશિયાનો દાવો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ તેને આખા દેશ માટે મુશ્કેલ રાત ગણાવી અને યુદ્ધવિરામ લાવવા માટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવાની હાકલ કરી હતી.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું છે કે રવિવારે કિવ, જિતોમીર, ખ્મેલનિત્સ્કી, ટર્નોપિલ, ચેર્નિહીવ, સુમી, ઓદેસા, પોલ્ટાવા, ઇનીપ્રો, મિકોલા, ખારર્કીવ અને ચેરકાસી જેવા ક્ષેત્રો પર હુમલા કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button