Russia Ukraine War : પીએમ મોદી કરી રહ્યા છે રશિયા- યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસ, અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જશે
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન(Russia Ukraine War)વચ્ચે છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસ માટે સમગ્ર વિશ્વની નજર ભારત પર કેન્દ્રિત છે. પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા રશિયાની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. તેની બાદ હાલમાં જ પીએમ મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી અને તેના યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. જ્યારે 27 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાતચીત કરી હતી. રશિયન દૂતાવાસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફોન કોલ દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને તેમની તાજેતરની કિવની મુલાકાત વિશે માહિતી આપી હતી. યુક્રેન માટે રાજકીય અને રાજદ્વારી માધ્યમથી સમાધાન લાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જશે
ત્યારે હવે પીએમ મોદી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA)અજીત ડોભાલને રશિયાની મુલાકાતે મોકલશે અને શાંતિ સમજૂતી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. અજીત ડોભાલ આ અઠવાડિયે રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટે ચર્ચા કરવા માટે મોસ્કોની યાત્રા કરશે.
હું ચીન, બ્રાઝિલ, ભારતના નેતાઓનો સંપર્કમાં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ મુદ્દાને ઉકેલવામાં ભારતની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને કહ્યું કે “અમે અમારા મિત્રો અને ભાગીદારોનો આદર કરીએ છીએ, જેઓને લાગે છે કે સંઘર્ષ સંબંધિત તમામ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ઠાપૂર્વક રસ ધરાવે છે. હું ચીન, બ્રાઝિલ, ભારતના નેતાઓનો સંપર્કમાં છું. આ દેશોના નેતાઓમાં વિશ્વાસ છે કે તેઓ સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે છે.”
ચીન અને ભારત જેવા રાષ્ટ્રો સંઘર્ષને ઉકેલવા માટે પગલાં લઇ શકે છે : મેલોની
વિશ્વના અન્ય નેતાઓનું પણ માનવું છે કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવામાં ભારત મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગઇકાલે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી હતી. જ્યોર્જિયા મેલોની કહ્યું, એ સ્પષ્ટ છે કે જો આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો તોડવામાં આવશે, તો તે દેશને અરાજકતા અને કટોકટી તરફ દોરી જશે. મે ચીનના વડાપ્રધાનને પણ આ જ કહ્યું. મને લાગે છે કે ચીન અને ભારત જેવા રાષ્ટ્રો સંઘર્ષને ઉકેલવા માટે પગલાં લઇ શકે છે અને લેવા જોઇએ.
Also Read –