ઇન્ટરનેશનલ

રશિયાનો યુક્રેન પર 100 મિસાઇલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ચારનાં મોત

કિવઃ રશિયાની સેનાએ યુક્રેનના વિવિધ હિસ્સામાં મિસાઇલો અને ડ્રોનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે એક ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો હતો.
યુક્રેનના પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ક્ષેત્રો પર ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો કરાયો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રશિયાના હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે વિવિધ પ્રકારની 100થી વધુ મિસાઇલો અને લગભગ 100 શાહિદ ડ્રોનનો હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ નુકસાન
રશિયાના હુમલામાં યુક્રેનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે. યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયન ડ્રોન્સ અને મિસાઇલોએ યુક્રેનના પૂર્વી, ઉત્તરીય, દક્ષિણ અને મધ્ય પ્રદેશો પર હુમલો કર્યો હતો. રશિયાએ ખાર્કીવ પ્રદેશ અને કિવથી લઈને ઓડેસા અને પશ્ચિમ સુધીના મોટા ભાગના વિસ્તારને નિશાન બનાવ્યા હતા. ઝેલેન્સકીએ કહ્યું હતું કે મોટા ભાગના અગાઉના રશિયાના હુમલાની જેમ આ હુમલાથી પણ નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. કિવની રાજધાનીમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. હુમલાને કારણે શહેરમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો એમ મેયર વિતાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : બાઈડેને યુક્રેન માટે ‘શાંતિના સંદેશ, માનવતાવાદી સમર્થન’ માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી, બાંગ્લાદેશના હિંદુઓ પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી

ડ્રોન, ક્રુઝ અને મિસાઈલ એટેક
યુક્રેનના વડા પ્રધાન ડેનિસ શ્મિહલે જણાવ્યું હતું કે રશિયાએ 15 યુક્રેનિયન પ્રદેશો પર ડ્રોન, ક્રુઝ મિસાઇલો અને હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલો ફેંકી હતી. “ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફરી એકવાર રશિયન આતંકવાદીઓનું લક્ષ્ય બની ગયું છે. તેમણે યુક્રેનના સહયોગીઓને લાંબા અંતરના શસ્ત્રો આપવા અને રશિયાની અંદરના લક્ષ્યો પર તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી.

અમેરિકાએ રશિયાને વખોડ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડનારા રશિયન હુમલાઓને અપમાનજક ગણાવ્યા હતા. તેમણે અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમના નિકાસને ફરીથી પ્રાથમિકતા આપી હતી. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલાઓમાં “લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો.

યુક્રેનના ઘરોમાં અંધારપટ
યુક્રેનના ઉર્જા વિભાગના અધિકારીઓએ કહ્યું કે લોકોના ઘરોમાં ફરીથી વીજળીનો પુરવઠો યથાવત થાય તે માટે તેમના કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. પાવર કટના પગલે સમગ્ર યુક્રેનના અધિકારીઓને લોકો માટે સુવિધા ઉભી કરવાનો આદેશ કરાયો છે જેથી લોકો ત્યાં પોતાના ફોન અને અન્ય ડિવાઇસ ચાર્જ કરી શકે. પાડોશી પોલેન્ડના સૈન્યએ જણાવ્યું હતું કે હુમલાના પરિણામે દેશના પૂર્વ ભાગમાં પોલિશ અને નાટો એર ડિફેન્સને એક્ટિવ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button