કેન્સર સામેની લડાઈમાં આ દેશને મળી મોટી સફળતા
કેન્સરનું નામ સાંભળતા જ દિલમાં એક થડકો પેસી જાય છે અને મનમાં એક જ વિચાર આવે છે – એક જીવલેણ અને અસાધ્ય રોગ. વર્ષોની ટેક્નોલોજી અને પ્રગતિ છતાં, કેન્સરને કારણે થતા મૃત્યુમાં કોઈ દેખીતી રીતે ઘટાડો થયો નથી. ઘણા દેશો તેનો અસરકારક ઈલાજ શોધવામાં વ્યસ્ત છે. આ અંગે હવે રશિયાથી સારા સમાચાર આવ્યા છે. રશિયા કેન્સરની રસી બનાવવાની નજીક છે. આ જાણકારી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આપી છે. હાલમાં જ પુતિને જણાવ્યું હતું કે રશિયન વૈજ્ઞાનિકો કેન્સરની રસી બનાવવાની નજીક છે જે ટૂંક સમયમાં કેન્સરના દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે.
પુતિને એમ પણ કહ્યું હતું કે રશિયા કેન્સરની રસી અને નવી પેઢીની ઇમ્યુનોમોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ નજીક આવી ગયું છે. ઇમ્યુનોમોડ્યુલેટર એવી દવાઓ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિમાં કેટલાક ફેરફારો કરે છે જેથી દર્દીને કોઈપણ રોગ સામે લડવામાં વધુ મદદ મળે છે. જોકે, પુતિને એ સ્પષ્ટ કર્યું નહોતું કે રશિયા દ્વારા બનાવવામાં આવી રહેલી રસી કયા પ્રકારના કેન્સર માટે છે અને તે કેવી રીતે કામ કરશે.
ઘણા દેશો અને કંપનીઓ છે જે કેન્સરની રસી પર કામ કરી રહી છે. બ્રિટિશ સરકારે જર્મની સ્થિત બાયોએનટેક સાથે સહયોગમાં કેન્સરની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી. યુકેનો ટાર્ગેટ 2030 સુધીમાં કેન્સરના દસ હજાર દર્દીઓ સુધી પહોંચવાનો છે.
ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક એન્ડ કંપની પણ કેન્સરની રસી બનાવી રહી છે. આ એક પ્રાયોગિક રસી છે. ઉદાહરણ તરીકે જ્યારે આવી રસી પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જાણવા મળ્યું કે ત્રણ વર્ષની સારવાર પછી, સૌથી ઘાતક સ્કીન કેન્સર, મેલાનોમા અથવા તેના કારણે મૃત્યુની શક્યતાઓ અડધી થઈ ગઈ છે.
WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, હાલમાં હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) સામે છ લાઇસન્સ પ્રાપ્ત રસી છે. હ્યુમન પેપિલોમાવાયરસ સર્વાઇકલ કેન્સર સહિત ઘણા કેન્સરનું કારણ બને છે. આ ઉપરાંત લીવર કેન્સરનું કારણ બનતા હેપેટાઇટિસ બી સામે પણ રસી છે.
કોરોના વાયરસ રોગચાળા દરમિયાન, રશિયાએ કોવિડ 19 સામે લડવા તેની પોતાની રસી બનાવી હતી. રશિયાએ સ્પુટનિક વી. નામની રસી વિકસાવી હતી અને ઘણા દેશોને વેચી હતી. જોકે, સ્પુટનિક V રસીને રશિયામાં વ્યાપક સ્વીકૃતિ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. લોકોને રસીની અસરકારકતા અને સલામતી અંગે ખાતરી આપવા પુતિને પોતે સ્પુટનિક વી રસી લીધી હતી.
કેન્સર વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. 2020માં દુનિયાભરમાં આ રોગને કારણે 1 કરોડથી વધુ લોકોના મોત થયા છે. એવા ઘણા કિસ્સાઓ છે જે નોંધાયા પણ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામના ડેટા અનુસાર ભારતમાં 2022માં કેન્સરના લગભગ 14 લાખ નવા કેસ જોવા મળ્યા હતા અને લગભગ 9 લાખ લોકોએ આ રોગને કારણે જીવ ગુમાવ્યો હતો.