હવે તાલિબાન આતંકવાદી સંગઠન નહીં ગણાય! રશિયાએ પ્રતિબંધ હટાવ્યો…

મોસ્કો: વર્ષ 2021 માં યુએસ સેના અફઘાનિસ્તાન છોડતાની સાથે જ ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠન તાલિબાને સત્તા પર કબજો કર્યો હતો. ત્યાર બાદથી તાલિબાન અફઘાનિસ્તાનમાં સ્વ-ઘોષિત સરકાર ચલાવી રહી છે. આ સરકારને માન્યતા અપાવવા અને વિશ્વના વિવિધ દેશો સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવાનો તાલિબાન સતત પ્રયાસ કરી રહ્યું છે. એવામાં રશિયા તાલિબાન સરકાર પર મહેરબાન થયું છે.
રશિયન સુપ્રીમ કોર્ટે બે દાયકા પહેલા તાલિબાન પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી દીધો છે. રશિયા માટે તાલિબાન આતંકવાદી સંગઠન નથી. કોર્ટનું આ પગલું મોસ્કો અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે વધતા સંબંધોને દર્શાવે છે.
રશિયન રાજ્ય એજન્સી TASS અનુસાર, કોર્ટના નિર્ણય બાદ તાલિબાન પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને તાલિબાનને પણ આતંકવાદી જૂથોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.
કોર્ટે આ પ્રતિબંધ હટાવ્યો:
રશિયા દ્વારા 2003 માં તાલિબાનને આતંકવાદી જુથ જાહેર કરવામાં આવ્યું હતું. જે હેઠળ તાલિબાનને મદદ કરતી કોઈપણ સંસ્થા કે વ્યક્તિને રશિયન કાયદા હેઠળ સજા થઈ શકતી હતી. એક વર્ષ પહેલા રશિયામાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જેમાં કોર્ટને સત્તા આપવામાં આવી હતી કે તે ઇચ્છે તો કોઈપણ સંગઠનને આતંકવાદી જૂથોની યાદીમાંથી દૂર કરી શકે છે. કોર્ટે આ કાયદાને આધારે જ આ નિર્ણય આપ્યો છે.
રશિયન વિદેશ મંત્રાલયે કોર્ટના નિર્ણય અંગે કહ્યું કે કોર્ટ દ્વારા તાલિબાનને આતંકવાદી જૂથોની યાદીમાંથી દૂર કરવું એ એક મોટું પગલું છે. આનાથી કાબુલ સાથે સરકારી ભાગીદારીનો માર્ગ ખુલી જશે.
આપણ વાંચો : રશિયાનો યુક્રેનના સુમી શહેર પરના મિસાઇલ હુમલાથી તબાહીઃ 21 જણનાં મોત