રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો, 1300 ડ્રોન અને નવ મિસાઇલ છોડી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ સમજૂતી વચ્ચે રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે રશિયાએ ગયા અઠવાડિયે યુક્રેનમાં 1,300 ડ્રોન, આશરે 1,200 ગાઇડેડ બોમ્બ અને નવ મિસાઇલો છોડ્યા હતા. આ ઉપરાંત ઝેલેન્સકીએ ઘણા દેશો તરફથી મળેલી સહાય અંગે પણ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે યુરોપિયન કાઉન્સિલે 2026-27 માટે 90 બિલિયન યુરો, તેમજ નોર્વે અને જાપાન તરફથી સહાય પેકેજ અને પોર્ટુગલ સાથે દરિયાઈ ડ્રોન ખરીદવા કરાર કરવામાં આવ્યો છે.
યુદ્ધને શાંતિ સાથે સમાપ્ત કરવાના માર્ગ પર ચર્ચા
ઝેલેન્સકીએ કહ્યું, ઓડેસા પ્રદેશ અને દક્ષિણ વિસ્તાર પર ખાસ કરીને ભારે હુમલો કરવામાં આવ્યો છે. અમે અનેક સ્થળોએ રશિયાના હુમલાનો સામનો કરી રહ્યા છીએ. યુક્રેન અને અમેરિકા સાથે વાટાઘાટો કરતી ટીમો આ યુદ્ધને શાંતિ સાથે સમાપ્ત કરવાના માર્ગ પર કામ કરી રહી છે. રશિયાએ સમજવું જોઇએ કે યુદ્ધની કોઇને ફાયદો નથી થતો. હું યુક્રેનને મદદ કરી રહેલા દરેકનો આભાર માનું છું.
છેલ્લા નવ દિવસથી ઓડેસાને સતત નિશાન બનાવ્યું
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ઓડેસા પ્રદેશ પર રશિયાના હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા અને 27 ઘાયલ થયા હતા, મીડિયા અહેવાલ મુજબ રશિયાએ પિવડેન શહેરમાં એક બંદરની સુવિધા પર મિસાઇલ હુમલો કર્યો હતો. રશિયા છેલ્લા નવ દિવસથી ઓડેસાને સતત નિશાન બનાવી રહ્યું છે. જેના કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
આપણ વાંચો: ગાયબ થયેલી એપસ્ટીન ફાઈલ્સ ફરી જાહેર! ટ્રમ્પ, ક્લિન્ટન, પોપ જોન પોલ-II ના ફોટો મળ્યા



