પુતિનની ધરપકડ થાય તો કેવી રીતે કામ કરશે રશિયાની સુરક્ષા પ્રણાલી ડેડ હેન્ડ, જાણો વિગતે…

મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે હંગેરીમાં બેઠક યોજાવાની છે. જોકે, આ બેઠક પૂર્વે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ધરપકડની ચર્ચાએ જોર પકડ્યું છે. જેના લીધે રશિયાની સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા પણ શરુ થઈ છે. જેમાં જો પુતિનની ધરપકડ કરવામાં આવે તો તેમની સુરક્ષા પ્રણાલી કેવી રીતે કામ કરશે તેની વિગતો પણ પ્રકાશમાં આવી છે.
રશિયા પાસે દુનિયાના સૌથી આધુનિક અને ઘાતક શસ્ત્રો
રશિયા પાસે દુનિયાના સૌથી આધુનિક અને ઘાતક શસ્ત્રો છે તેનાથી દુનિયા અજાણ નથી. જેમાં પણ રશિયા પાસે રહેલી
” પેરિમીટર સિસ્ટમ” વિશ્વનું સૌથી ખતરનાક સુરક્ષા પ્રણાલી છે. જેને દુનિયા “ડેડ હેન્ડ” તરીકે ઓળખે છે. તેમાં પણ
જો રશિયા પર પરમાણુ હથિયારથી હુમલો કરવામાં આવે અને તેની મુખ્ય સુરક્ષા પ્રણાલીનો નાશ કરવામાં આવે તો તે ઓટોમેટિક સક્રિય થાય છે. તેથી જો રશિયાનો વિનાશ થાય તો પણ તે હુમલો બંધ નહી થાય.

ડેડ હેન્ડ સુરક્ષા પ્રણાલીનો ઉદ્ભવ વર્ષ 1980માં સોવિયેત સંઘ સમયે થયો
રશિયા પાસે રહેલી ડેડ હેન્ડ સુરક્ષા પ્રણાલીનો ઉદ્ભવ વર્ષ 1980માં સોવિયેત સંઘ સમયે થયો હતો. જેમાં
અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધની ચરમસીમાએ આ સિસ્ટમ રશિયાની પરમાણુ ક્ષમતાઓનો ક્યારેય નાશ ન થાય તેની ખાતરી કરવા માટે બનાવવામાં આવી હતી. તેનો હેતુ દુશ્મનને ખાતરી કરાવવાનો હતો કે રશિયા પર હુમલો કરવો એ આત્મઘાતી હશે. આ સિસ્ટમ અસંખ્ય અદ્યતન સેન્સર અને અલ્ગોરિધમ પર કાર્ય કરે છે. જે રશિયાની ભૂકંપ પ્રવૃત્તિ, વાતાવરણીય દબાણ, રેડિયેશન સ્તર અને સંદેશાવ્યવહાર નેટવર્કનું સતત નિરીક્ષણ કરે છે.
ડેડ હેન્ડ હુમલો કેવી રીતે કરશે?
જો આ સિસ્ટમ નક્કી કરે છે કે રશિયા પર પરમાણુ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો કરવાનો મેસેજ નથી મળતો તો તે ઓટોમેટીક સક્રિય થાય છે. ત્યારબાદ એક ખાસ કમાન્ડ મિસાઇલ લોન્ચ કરવામાં આવે છે. આ મિસાઇલ એરબોર્ન રેડિયો સિગ્નલો દ્વારા તમામ રશિયન પરમાણુ મથકો પર લોન્ચ ઓર્ડર ટ્રાન્સમિટ કરે છે. એટલે કે જો આદેશ આપવા કોઈ વ્યક્તિ ના હોય તો પણ તે લોન્ચ થાય છે. આ હુમલો સામાન્ય રીતે યુએસ યુરોપિયન દેશો અને તેમના લશ્કરી કેમ્પઓને ટાર્ગેટ કરે છે.
એઆઈ અને સેટેલાઇટ ડેટા જેવી આધુનિક તકનીકોનો સમાવેશ
રશિયાએ ક્યારેય ખુલ્લેઆમ કહ્યું નથી કે ડેડ હેન્ડ હજુ પણ કાર્યરત છે. પરંતુ વર્ષ 2011 માં રશિયન કમાન્ડર સેરગેઈ કારાકાયેવે પુષ્ટિ કરી હતી કે સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત છે. નિષ્ણાતો માને છે કે એઆઈ અને સેટેલાઇટ ડેટા જેવી આધુનિક તકનીકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે અહેવાલો અનુસાર, સિસ્ટમને એવી રીતે અપગ્રેડ કરવામાં આવી છે કે તે ભવિષ્યના હુમલાઓની પણ આગાહી કરી શકે છે.
આ પણ વાંચો…પુતિને અમેરિકન નાગરિકને ₹19 લાખની મોટરસાઇકલ ભેટ આપી; જાણો શું છે કારણ