Moscow Terrorist Attack: રશિયાના FSBના વડાનો દાવો, આંતકવાદી હુમલામાં અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો હાથ

રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)ના વડા એલેક્ઝાન્ડર બોર્ટનિકોવે (Alexander Bortnikov) મોસ્કો આતંકવાદી હુમલાને (Moscow terrorist attack) લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. ક્રોકસ સિટી હોલ હુમલાની ચાલી રહેલી તપાસ વચ્ચે બોર્ટનિકોવે મંગળવારે કહ્યું કે આ હુમલા પાછળ અમેરિકા, બ્રિટન અને યુક્રેનનો હાથ છે. બોર્ટનીકોવે મોસ્કોમાં એક મીટિંગમાં જણાવ્યું હતું કે, “અત્યારે અમે અમારી પાસે રહેલી હકીકતલક્ષી માહિતીના આધારે વાત કરી રહ્યા છીએ.”
તેમણે વધુમાં કહ્યું હતું કે યુક્રેન એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે ‘એકદમ સક્ષમ’ છે. પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તેણે ઓચિંતો હુમલો કરીને આતંકવાદી કૃત્ય કર્યું. તેમણે ફરી પુનરોચ્ચાર કર્યો કે ભૂતકાળમાં યુક્રેન, બ્રિટન અને અમેરિકાએ પણ રશિયામાં આવા હુમલા કર્યા છે.
Also Read:
https://bombaysamachar.com/international/putin-ukraine-islamists-moscow-terror-attack/
બોર્ટનિકોવે કહ્યું કે, રશિયામાં ડ્રોન હુમલા, સમુદ્રમાં માનવરહિત બોટ પર હુમલા, તોડફોડ કરનારાઓના જૂથો અને આતંકવાદી સંગઠનોની આપણા વિસ્તારમાં ઘૂસણખોરી થઈ. તેમણે કહ્યું કે પશ્ચિમ અને યુક્રેન આપણા દેશને વધુ નુકસાન પહોંચાડવા માંગે છે.

Also Read:
https://bombaysamachar.com/international/putin-ukraine-islamists-moscow-terror-attack/
22 માર્ચે, આતંકવાદીઓ મોસ્કો શહેરની નજીકના ઉપનગરમાં સ્થિત ક્રોકસ સિટી કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો અને વિસ્ફોટ કર્યો. આ આતંકી હુમલામાં 139 લોકો માર્યા ગયા હતા અને 182 લોકો ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (ISIS-K)એ લીધી હતી. રશિયન સુરક્ષા દળોએ આતંકવાદી હુમલામાં સંડોવણીની શંકાના આધારે ચાર બંદૂકધારીઓ સહિત કુલ 11 લોકોની ધરપકડ કરી છે.
હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આરોપ લગાવ્યો હતો કે અમારી પ્રારંભિક માહિતી મુજબ યુક્રેને આતંકવાદીઓ માટે અમારી સરહદમાં ઘૂસવાનો રસ્તો બનાવ્યો હતો. પુતિને હુમલામાં સામેલ તમામ લોકોની ઓળખ કરીને તેમને સજા કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. રશિયન રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મોસ્કોની બહાર કોન્સર્ટ હોલ પર હુમલા માટે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ જવાબદાર છે, પરંતુ યુક્રેનને આ જઘન્ય અપરાધથી અલગ કરી શકાય નહીં.