ઇન્ટરનેશનલ

યુદ્ધનો અંત ક્યારે? ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયાનો યુક્રેન પર ભીષણ ડ્રોન હુમલો

કિવઃ રશિયા અને યુક્રેન (Russia Ukraine War) વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધવિરામની વાતો વચ્ચે પણ બંને દેશ વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. યુક્રેને કરેલા ઘાતક હુમલા પછી ફરી રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયાએ ગઈકાલે રાત્રે ઉત્તરી યુક્રેનિયન શહેર પ્રિલુકી પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં એક વર્ષના બાળક સહિત આશરે પાંચ લોકોના મોતના સમાચાર છે. પ્રાદેશિક ગવર્નર વ્યાચેસ્લાવ ચૌસ દ્વારા આ હુમલા અંગે વિગતો આપવામાં આવી હતી.

રાત્રે ઉત્તરી યુક્રેનિયન શહેર પ્રિલુકી પર ડ્રોન હુમલો
ચૌસે જણાવ્યું હતું કે, સવારે શાહેદ શ્રેણીના 6 ડ્રોન દ્વારા પ્રિલુકીના રહેણાંક વિસ્તારો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે રહેણાંક ઇમારતોને ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં પરંતુ આ હુમલામાં છ વધુ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આજે પૂર્વી યુક્રેનિયન શહેર ખાર્કિવમાં રશિયન ડ્રોન હુમલામાં બાળકો, એક ગર્ભવતી મહિલા અને 93 વર્ષની એક મહિલા સહિતા 17 લોકો ઘાયલ થયા હતા.

સ્લોબિડસ્કી જિલ્લામાં 1:05 વાગ્યે બે એપાર્ટમેન્ટ પર હુમલો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો શહેદ-ક્લાસ ડ્રોન દ્વારા સ્લોબિડસ્કી જિલ્લામાં લગભગ 1:05 વાગ્યે બે એપાર્ટમેન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે ક્યાંક આગ લાગી હતી તો સાથે અનેક વાહનોનો નાશ થયો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત પછી આ હુમલાઓ થયો છે. બુધવારે ટ્રમ્પ સાથે થયેલી વાતચીતમાં પુતિને ખૂબ જ મજબૂતાઈથી કહ્યું હતું કે તેઓ સપ્તાહના અંતે યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપશે. જેથી આ હુલમો કરવામાં આવ્યો હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો – ‘કોઈપણ કિંમતે જવાબ આપવો પડશે’ પુતિન યુક્રેન સાથે બદલો લેવા મક્કમ!

ડોનાલ્ડ ટ્ર્મ્પે પુતિન સાથે વાતચીત કરી હોવાનો ઉલ્લેખ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં ડોનાલ્ડ ટ્ર્મ્પે પુતિન સાથે વાતચીત કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોસ્ટમાં લખ્યું કે, ‘અમારા વચ્ચે સારી વાતચીત થઈ, પરંતુ આ એવી વાતચીત નહોતી જેમાં સત્વરે શાંતિ સ્થાપિત થઈ શકે!’ આ પહેલી વાર છે જ્યારે ટ્રમ્પે રશિયાની અંદર યુક્રેન હુમલા પર ટિપ્પણી કરી છે. મહત્વની વાત એ છે શું રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવશે? આ મામલે અત્યારે કોઈ પણ પ્રકારની આશા વ્યક્ત કરી શકાય તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button