દિવાળી પર શુભ સમાચાર: રશિયા- યુક્રેનના નિર્ણયને કારણે ખાદ્ય તેલના ભાવ વધારા પર લગામ

મુંબઈ: યુક્રેન અને રશિયાના યુધ્ધને કારણે સન ફ્લાવર તેલની નિકાસ રોકાઈ ગઈ હતી. જોકે હવે તેલના માધ્યમથી આવક ઊભી કરવા આ બંને દેશો દ્વારા મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની નિકાસ શરૂ કરવામાં આવી છે. જેની સીધી અસર ભારતીયોના ખિસ્સા પર પડશે. હાશકારો એ વાતનો છે કે રશિયા – યુક્રેનના નિર્ણયને કારણે દિવાળી ટાણે ખાદ્ય તેલમાં ભાવ વધારાના આસાર દેખાતા નથી.
ભારત વિશ્વનો સૌથી મોટો ખાદ્ય તેલનો વપરાશ કરનારો દેશ છે. તેથી ભારતને કુલ જરૂરિયાતના 60% તેલની આયાત કરવી પડે છે. આ આયાત પામ તેલ અને સનફ્લાવર તેલની સૌથી વધુ હોય છે. આખા વિશ્વને સનફ્લાવર તેલનો સૌથી વધુ પુરવઠો રશિયા અને યુક્રેન દ્વારા કરવામાં આવે છે. જેમાં ભારતનો પણ સમાવેશ છે. જોકે યુદ્ધને કારણે આ દેશોએ નિકાસ બંધ કરી હતી. હવે બંને દેશોએ તેમની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે ફરીથી નિકાસની શરૂઆત કરી છે. તેની ફાયદો હવે ભારતને પણ થશે.
યુદ્ધગ્રસ્ત બંને દેશોની અર્થવ્યવસ્થા મોટા પ્રમાણમાં સનફ્લાવર તેલની નિકાસ પર આધાર રાખે છે. તેથી હવે અર્થવ્યવસ્થા બચાવવા માટે આ દેશોએ સ્ટોક કરેલ સનફ્લાવર તેલની નિકાસ શરૂ કરી છે. એ જ વખતે પામ તેલની આયાત ને લાગતા નિયમો બદલાતા દેશમાં જ કાચું તેલ તૈયાર કરવું વધુ સરળ બન્યું છે. સોયાબીન તેલની સ્થિતિ પણ સમાધાનકારક છે. આ વખતે ચોખાનો પાક સારો હોવાથી રાઈસ બ્રાન તેલની ચિંતા પણ નથી. તેથી દિવાળી સમયે ભલે તેલની માંગ વધી હોય પણ ભાવ વધારો થવાની શક્યતા ઓછી છે. હજી આવનારા સમયમાં તેલની કિંમતો વધુ ઘટવાની થવાની શક્યતાઓ છે. એમ અખિલ ભારતિય ખાદ્ય તેલ મહાસંઘના અધ્યક્ષ શંકર ઠક્કરે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું.
ખાદ્ય તેલ ક્ષેત્રના સૂત્રો અનુસાર યુક્રેન અને રશિયા દ્વારા સનફ્લાવર તેલની નિકાસ શરૂ થતાં જ લગભગ 5 હજાર જહાજ સમુદ્રના માર્ગે તેલ લઈને મુંબઈ તરફ આવવા નીકળ્યા છે. આજે મુંબઈ સહિત તમામ સ્થળે સનફ્લાવર ઓઇલનો આયાત દર કિલો દીઠ 83 રૂપિયા છે. 5% આયાત કર, અન્ય કર અને પરિવહન ખર્ચ સહિત બજારમાં આ તેલ વધુમાં વધુ 115 રૂપિયા કિલોના ઉપલબ્ધ છે. તેથી અન્ય બધા જ તેલ સસ્તા થશે. સીંગદાણાનો નવો પાક જલ્દી જ બજારમાં આવનાર છે. તે આવ્યા બાદ સિંગ તેલની સ્થિતિ પણ સ્પષ્ટ થશે. એમ ઠક્કરે જણાવ્યું હતું.
ભારતમાં પામ તેલની આયાત ખાસ કરીને ઈન્ડોનેશિયા તથા મલેશિયા માંથી કાચા ફળોના રૂપે થાય છે. પામ સ્ટીરિયન પ્રકારની આયાત વનસ્પતિ ઘી અલગ કર્યા બાદ બચેલા ફળોમાંથી તેલ કાઢવામાં આવે છે. જોકે હવે કેન્દ્ર સરકારે વનસ્પતિ ઘી માટે સ્વતંત્ર આયાતની પરવાનગી આપી હોવાથી તેલ કાઢવું વધુ સરળ બન્યું હોવાથી દર નિયંત્રણમાં આવશે એમ વેપારીઓનું કહેવું છે.
ખાદ્ય તેલના ભાવ (કિલો દીઠ) જોઈએ તો સિંગ તેલ પાછલા મહિને 200-220 આ મહિનામાં 180-200, સનફ્લાવર તેલ પાછલા મહિને 130-140 અને આ મહિને 110-120, સોયાબીન તેલ પાછલા મહિને 140-150 અને આ મહિને 120-130, રાઈસબ્રાન પાછલા મહિને 130-140 અને આ મહિને 90-105 ,પામ તેલ પાછલા મહિને 110-115 અને આ મહિને 85-100 છે.